તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
સૌરાષ્ટ્રના 4 જિલ્લા અછતગ્રસ્ત જાહેર : સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય
પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છમાં મેઘરાજા રીસાતા ઓછો વરસાદ વરસતા ઘાસચારા-પાણીની કટોકટી સામે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સરકાર એક્શનમાં

ગાંધીનગર તા.26 : ચોમાસામાં અપૂરતા વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સતત રજૂઆતો અને વિરોધ બાદ આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના 4 જિલ્લા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
આ ચારેય જિલ્લાઓમાં આ વર્ષે ચોમાસું સાવ નિષ્ફળ ગયું હતું. વરસાદ નહીંવત હોવાને કારણે મોટાભાગના ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ ગયો છે. ખેતરોમાં વાવેતર સુકાઈ ગયું છે અને ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. જેના કારણે માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
1 થી 5 પશુ ધરાવતા દરેક પશુપાલકને માત્ર ₹2 પ્રતિ કિલોના રાહત દરે સરકારી ઘાસચારો અપાશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ જાહેરાત કરી છે. પોરબંદર શહેરમાં પહેલો ઘાસ ડેપો શરૂ થઈ ગયો છે, અન્ય જિલ્લામાં પણ ટૂંક સમયમાં શરૂ થશે. ઘાસચારા કાર્ડ ન હોય તેવા પશુપાલકોને તાત્કાલિક કાર્ડ કઢાવી લેવા અપીલ કરાઈ છે.
ભવિષ્યમાં તંગી સર્જાય તો નવા કૂવા ખોદવા, હેન્ડપંપ રિચાર્જ કરવા અને નર્મદા પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનો પ્લાન તૈયાર છે. જરૂર પડશે તો ટેન્કરથી પાણી પહોંચાડાશે.
વરસાદ ખેંચાતા બેકાર બનેલા ખેતમજૂરોને યોજના હેઠળ રોજગારી આપવામાં આવશે.અછતગ્રસ્ત ગામોમાં સરકારી રાહતના તમામ લાભો અગ્રતા ધોરણે અપાશે.
ઉલ્લેખનીય છે કે આ 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે કિસાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂત સંગઠનોએ અનેક વખત રજૂઆતો કરી હતી.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
