News of Thursday, 26th November 2026
કરાચીમાં ૬ માળની બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી થતાં ૪ લોકોના મોત : ૧૪ ઘાયલ અને ૧૭ ગુમ: કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી
કરાચીના બલૂન કોલોની વિસ્તારમાં રહેણાંક હેતુની જમીન પર ગેરકાયદેસર રીતે બની રહેલી ઇમારત તૂટી પડતાં અફરાતફરી : સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહની કડક કાર્યવાહી

કરાચી : પાકિસ્તાનના કરાચી શહેરના બલૂન કોલોની વિસ્તારમાં એક ૬ માળની બાંધકામ હેઠળની ઇમારત અચાનક ધરાશાયી થતાં ચાર લોકોના કરુણ મોત નીપજ્યા છે અને ૧૪ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે હજુ પણ ૧૭ લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને બચાવ ટીમો દ્વારા કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં ૧૪ ઘાયલોને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે ખસેડાયા છે. સરકારી અધિકારી નસરુલ્લાહ અબ્બાસીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોએ ઇમારત તૂટી પડ્યા બાદ ૧૭ સભ્યો લાપતા હોવાની જાણ કરી છે; બચાવ ટુકડીઓએ શરૂઆતમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ રાત્રિ દરમિયાન ચાલેલા સર્ચ ઓપરેશનમાં કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક વધીને ચાર પર પહોંચ્યો છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, આ બહુમાળી ઇમારત રહેણાંક ઉપયોગ માટે નિયુક્ત કરવામાં આવેલી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી રહી હતી, જેની સામે સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે ઊંડી ચિંતા વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે. ઘટના બાદ બોલાવાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી શાહે કડક વલણ અપનાવીને વસીમ શમશાદને સિંધ સ્થાનિક સરકાર સચિવ અને સિંધ બિલ્ડીંગ કંટ્રોલ ઓથોરિટી (SBCA) ના ડાયરેક્ટર જનરલ તરીકેના પદ પરથી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર નિવેદન મુજબ, શમશાદની સેવાઓ ફેડરલ સરકારને પરત સોંપવાનો નિર્દેશ અપાયો છે તેમજ કેન્દ્ર સરકારને તેમને સસ્પેન્ડ કરવા અને સમગ્ર પ્રકરણની ઔપચારિક તપાસ હાથ ધરવા ભલામણ કરવામાં આવી છે.
બીજી તરફ, કરાચીના મેયર મુર્તઝા વહાબએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રનું સંપૂર્ણ ધ્યાન હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોના જીવ બચાવવા પર કેન્દ્રિત છે, જોકે તેમણે ગુમ થયેલા લોકોના ચોક્કસ આંકડા અંગે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. આ દુર્ઘટનામાં ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવા બદલ ગુરુવારે સરકાર દ્વારા એક ડઝનથી વધુ અન્ય અધિકારીઓને પણ તાત્કાલિક અસરથી તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે ઘટનાસ્થળે ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હજુ પણ અવિરત ચાલુ છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
