<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

તુર્કીની શાળામાં અંધાધૂંધ ગોળીબારમાં 4ના મોત, બે દિવસમાં હિંસાની બીજી ભયાનક ઘટના

કહરામનમારસની માધ્યમિક શાળામાં વિદ્યાર્થીએ પિતાની બંદૂક વડે મચાવ્યો મોતનો તાંડવ : શિક્ષક અને ત્રણ નિર્દોષ વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર દેશ સ્તબ્ધ: 20થી વધુ ઘાયલ થતા હોસ્પિટલોમાં કટોકટી જેવી સ્થિતિ

અંકારા: તુર્કીમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કહરામનમારસ પ્રાંતની આયસર કાલિક માધ્યમિક શાળામાં એક વિદ્યાર્થીએ અચાનક કરેલા ગોળીબારમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. હુમલાખોર વિદ્યાર્થી તેના પિતા, જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે, તેમની બંદૂક સ્કૂલ બેગમાં છુપાવીને લાવ્યો હતો. ભણવાના સમયે ગોળીઓના અવાજથી ગુંજી ઉઠેલી શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક ઘટનામાં એક સમર્પિત શિક્ષક અને ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 20 જેટલા લોકો લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાની ગંભીરતા એટલા માટે વધુ છે કારણ કે તુર્કીમાં છેલ્લા 48 કલાકમાં શાળામાં ગોળીબારની આ બીજી મોટી ઘટના છે. ગવર્નર મુકરરેમ ઉનલુરે પુષ્ટિ કરી છે કે હુમલાખોર વિદ્યાર્થી પણ સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો છે. માત્ર એક દિવસ પહેલા જ સાનલિઉર્ફા પ્રાંતમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આવી જ રીતે ગોળીબાર કરી 16 લોકોને ઘાયલ કર્યા હતા અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. બેક-ટુ-બેક થયેલા આ હુમલાઓએ વાલીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ પેદા કર્યો છે.

તુર્કીના સત્તાવાળાઓ હવે હુમલા પાછળના ચોક્કસ હેતુ અને વિદ્યાર્થીની માનસિક સ્થિતિની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. ઇસ્તંબુલમાં ઇઝરાયેલી કોન્સ્યુલેટ નજીક થયેલા તાજેતરના ગોળીબાર બાદ આ ઘટનાઓએ દેશની આંતરિક સુરક્ષા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે. હથિયારોના સરળ એક્સેસ અને યુવાનોમાં વધતી જતી હિંસક પ્રવૃત્તિઓ હવે ગંભીર ચિંતાનો વિષય બની છે. સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શોકતુર પરિવારોને ન્યાય આપવાની ખાતરી આપવામાં આવી છે.

(7:41 PM IST)