તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 28th June 2026
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત
હરિદ્વાર જઈ રહેલી ટિયાગો કારના ચાલકે હલગોયા કટ ચૂકી જતાં હાઈવે પર જ ગાડી રિવર્સ લેતા હતા ત્યારે પાછળથી આવતી સ્કોર્પિયો કારે જોરદાર ટક્કર મારી:સોનીપતના મંઢોરા ગામના 4 લોકોના મોત

દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે પર એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. હરિદ્વાર જઈ રહેલી એક ટિયાગો કાર કટ ચૂકી જતા ચાલકે તેને હાઈવે પર જ રિવર્સ લીધી હતી. આ દરમિયાન પાછળથી આવતી તેજ રફતાર સ્કોર્પિયો કારે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં સોનીપતના મંઢોરા ગામના 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ સમગ્ર ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
હરિયાણાના સોનીપત જિલ્લાના મંઢોરા ગામના 2 પરિવારો અલગ-અલગ કારમાં હરિદ્વાર જઈ રહ્યા હતા. આ દરમિયાન રામપુર મનિહારાન વિસ્તારમાં હલગોયા કટ પાસે ટિયાગો કારનો ચાલક જયદેવ આગળ નીકળી ગયો હતો. કટ ચૂકી જવાના કારણે ચાલકે એક્સપ્રેસ વે પર જ કાર પાછળ લેવાનું શરૂ કર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર રિવર્સ લેતી વખતે ચાલકે ડિપર પણ ચાલુ રાખ્યું ન હતું. આ બેદરકારી વચ્ચે પાછળથી આવતી તેજ રફતાર સ્કોર્પિયો કારે ટિયાગોને જોરદાર ટક્કર મારી દીધી હતી.
હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ અકસ્માતની ભયાનકતા કેદ થઈ છે. સ્કોર્પિયોની ટક્કર એટલી જોરદાર હતી કે ટિયાગો કાર હાઈવે પર આશરે 300 મીટર સુધી ઘસડાઈ ગઈ હતી. બે વાર ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર પલટી મારી ગઈ હતી. ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો કાર પણ હાઈવે પર પલટી ગઈ હતી. બંને વાહનોનો કૂચડો બોલી ગયો હોવાથી સ્કોર્પિયોની સ્પીડ ખૂબ વધારે હોવાની આશંકા છે. આ અકસ્માતમાં પ્રવીણ, તેમની પત્ની પ્રીતિ, સુદેશ અને શિવાંશના મોત થયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર પાંસળીઓ તૂટી જવાથી શ્વાસ રૂંધાવાના કારણે ચારેય લોકોએ દમ તોડ્યો હતો.
મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કાર પ્રવીણ નામના વ્યક્તિની પત્ની નીલમના નામે રજીસ્ટર્ડ છે. અકસ્માત સમયે સ્કોર્પિયો ચલાવી રહેલો પ્રવીણ પોતે પણ ઈજાગ્રસ્ત થયો છે. હાલ તે એસબીડી જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસની ટીમ હોસ્પિટલમાં તેના પર કડક નજર રાખી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી ચાલક અત્યારે બોલવાની સ્થિતિમાં નથી. અકસ્માત સમયે ચાલકે દારૂ પીધો હતો કે નહીં તેની પુષ્ટિ માટે મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
