<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

૪ દીકરાએ મા-બાપના ભાગલા પાડયાઃ બાગબાન ફિલ્‍મ જેવી કહાની

આવા દીકરા કરતા તો પથ્‍થરા સારા : જીવનના અંતિમ પડાવમાં જુદાઈ નો ગમેઃ અન્ન જુદા થતાં મન પણ જુદા થયા

બુલંદશહર તા.૧૭: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં એક એવો મામલો સામે આવ્‍યો છે, જેણે સંબંધો અને પારિવારિક જવાબદારીઓ પર ગંભીર સવાલ ઊભો કરી દીધો છે. વર્ષ ૨૦૦૩માં આવેલી પારિવારિક ફિલ્‍મ બાગબાનની એ ભાવુક કહાની, જેમાં વૃદ્ધ માતા-પિતાને તેમના બાળકો અલગ અલગ ભાગલા પાડી દે છે. કંઈક આવી જ તસવીર બુલંદશહરમાંથી સામે આવી છે. અહીં ચાર દીકરાઓએ વૃદ્ધ મા-બાપની જવાબદારી સંભાળવાની જગ્‍યાએ ભાગલા પાડી દીધા.

બે દીકરા માને પોતાની સાથે લઈ ગયા, જ્‍યારે બે દીકરા પિતાને પોતાની પાસે લઈ ગયા. એક જ છત નીચે જિદગીના પાંચ દાયકાથી વધારે સફર ખેડનારા વૃદ્ધ દંપતિને હવે જ્‍યારે અલગ અલગ ઘરોમાં રહેવું પડ્‍યું તો સંબંધોમાં તિરાડો પડી ગઈ. મામલો એટલો વધી ગયો કે વૃદ્ધ માએ પોતાના ૭૫ વર્ષીય પતિને કાયદાકીય રીતે અલગ થવા અને ભરણપોષણની માગને લઈ પોલીસ સ્‍ટેશન જવું પડ્‍યું.

આખો કિસ્‍સો બુલંદશહેરના સિકંદરાબાદ વિસ્‍તારમાંથી સામે આવ્‍યો છે, વૃદ્ધ દંપતિએ પોતાના વૈવાહિક જીવનના ૫૧ વર્ષ એકબીજા સાથે વિતાવ્‍યા. સુખ-દુઃખમાં સાથે રહ્યા અને પોતાના ચાર દીકરાનું ભરણપોષણ કરી ઉછેરી મોટા કર્યા. પણ ઉંમરના આ પડાવમાં જ્‍યારે માતા-પિતાને સૌથી વધારે પોતાના લોકોની જરૂર હતી, ત્‍યારે દીકરાઓએ તેમને દેખરેખની જવાબદારી અલગ અલગ વહેંચી દીધી.

કહેવાય છે કે, પરિવારમાં બનેલી સહમતિ બાદ બે દીકરા માને પોતાની સાથે લઈ ગયા, જ્‍યારે બે દીકરા પિતાને પોતાની સાથે લઈ ગયા. મા-બાપની વચ્‍ચે ખાલી ઘર જ નહીં પણ તેમની વચ્‍ચેનો સાથ અને સંવાદ પણ ધીમે ધીમે ઓછો થઈ ગયો.

અલગ અલગ ઘરોમાં રહેવાના કારણે વૃદ્ધ દંપતિની મુલાકાત અને વાતચીત પણ ઓછી થવા લાગી. સમય સાથે નાની નાની વાતોને લઈ બંને વચ્‍ચે વિવાદ અને ઝઘડા થવા લાગ્‍યા. ફોન પર થતી વાતચીત પણ ઘણી વાર ઝઘડામાં બદલાઈ જતી. આખરે સ્‍થિતિ એવી આવી કે વૃદ્ધ માએ પોલીસને પોતાના પતિથી અલગ થવા અને ભરણપોષણ અપાવવાની માગ કરવી પડી.

મામલો જ્‍યારે મહિલા સેલ સુધી પહોંચ્‍યો તો ત્‍યાં હાજર પોલીસકર્મી અને કાઉન્‍સિલર્સ પણ આ ઘટના જાણીને ચોંકી ગયા. જે ઉંમરમાં પતિ-પત્‍નીને એકબીજાનો ટેકો બનીને જીવનના અંતિમ પડાવમાં સાથ નિભાવવાનો હોય છે, તે ઉંમરમાં બંને વચ્‍ચે જુદાઈની સ્‍થિતિ આવી પડી.

મામલાની સંવેદનશીલતા જોતા બંને વૃદ્ધોને મહિલા પરામર્શ કેન્‍દ્ર મોકલવામાં આવ્‍યા. મહિલા સેલના કાઉન્‍સિલર્સે બંનેને આમને-સામને બેસાડ્‍યા અને વાતચીત કરી અને સંબંધોને બચાવવા સાથે રહેવા માટે સમજાવવાના પ્રયાસ કર્યા. કેટલીય વાર સમજાવ્‍યા છતાં સાથે રહેવા તૈયાર ન થયા. ત્‍યાર બાદ બંને પક્ષોની સહમતિથી આર્થિક મદદને લઈ સમાધાન કાઢવામાં આવ્‍યું. વૃદ્ધ પતિ પોતાની પત્‍નીને દર મહિને પાંચ હજાર રૂપિયા ભરણપોષણ તરીકે આપવા માટે રાજી થઈ ગયા. છતાં પણ બંને સાથે રહેવા પર સહમતિ ન બની. પણ માસિક ખર્ચ માટે પાંચ હજાર રૂપિયા આપવાની વાત પર સહમતિ થઈ ગઈ

(9:51 AM IST)