<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

૪૦૦ ફૂટ ઊંચા ટાવર પર ૧૮ મહિના ધરણાં કર્યા : અંતે રેસ્‍ક્‍યુ

પટિયાલાના ગુરજીતના અનોખા ધરણાની ભારે ચર્ચા : ધાર્મિક ગ્રંથના અપમાનને રોકવા આકરો કાયદો ઘડવાની માગ સાથે ટાવર પર ચડી ગયા હતા

 

પટિયાલા,તા.૨૫: પંજાબના પટિયાલામાં એક અનોખો વિરોધ જોવા મળ્‍યો હતો, અહીંના એક બીએસએનએલના ૪૦૦ ફૂટ ઉંચા ટાવર પર ચડીને એક્‍ટિવિસ્‍ટ ગુરજીતસિંહ ખાલસાએ ૧૮ મહિના સુધી ધરણા કર્યા હતા. આટલા દિવસો સુધી ટાવર પર ધરણા કરનારા ગુરજીતસિહને અંતે રેસ્‍ક્‍યુ કરીને નીચે ઉતારી લેવાયા હતા.

ધાર્મીક લાગણી દુભાતી રોકવા માટે આકરો કાયદો ઘડવાની માગણી સાથે ગુરજીતસિહ ખાલસા પટિયાલાના બીએસએનએલના ટાવર પર ચડી ગયા હતા, આ ટાવર ૪૦૦ ફૂટની ઉંચાઇ પર આવેલો છે. જેને પગલે ગુરજીતને નીચે ઉતારવા પ્રશાસન માટે બહુ કપરુ કામ બની ગયું હતું. જોકે તાજેતરમાં જ પંજાબ સરકાર દ્વારા ધાર્મીક અપમાનને રોકવા માટે આકરો કાયદો ઘડવામાં આવ્‍યો છે જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

એવામાં હવે ગુરજીતસિંહ ખાલસાએ પોતાના ધરણા સમેટ્‍યા હતા, અંતે તેમને નીચે ઉતારવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. ગુરજીતસિહ નીચે ઉતરતા જ  નારેબાજી કરવા લાગ્‍યા હતા અને દાવો કર્યો હતો કે આ ધરણામાં તેમની જીત થઈ છે.

જોકે ગુરજીતસિંહને ૪૦૦ ફૂટ ઉંચા ટાવરેથી નીચે ઉતારવા સહેલુ કામ નહોતું, આ રેસ્‍ક્‍યુ ઓપરેશનમાં અનેક ફાયર ફાઈટરની ટીમો, પોલીસ તૈનાત કરવી પડી હતી. ફાયર ફાઇટર્સ માટે મોટો પડકાર ૪૦૦ ફૂટ ઉંચાઈ સુધી પહોંચવાનો હતો. જોકે અંતે કલાકોની મહેનત બાદ ગુરજીતસિહ નીચે ઉતરી ગયા હતા, તેઓ ચાર કે પાંચ દિવસ નહીં પણ ૫૬૦ દિવસ એટલે કે આશરે ૧૮ મહિના સુધી આ ટાવર પર રહ્યા હતા. તેમણે ટાવર પર જ પોતાનું એક નાનુ ઘર બનાવી લીધુ હતું.

 

(10:06 AM IST)