News of Sunday, 3rd May 2026
અમેરિકામાં સફળતાનું શિખર સર કરનાર ગુજરાતી સવાણી ભાઈઓ સામે 400 વર્ષની જેલની સજાનો આદેશ: વતન અમરેલીમાં ખળભળાટ
ડેન્ટલ સામ્રાજ્યના નામે લાખો ડોલરની છેતરપિંડી અને માનવ પ્રયોગોના ગંભીર આરોપો હેઠળ સકંજો: ભાસ્કર અને અરુણ સવાણીએ આક્ષેપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યા

અમરેલી: ગુજરાતના અમરેલી જિલ્લાના વતની અને અમેરિકામાં મોટું નામ ધરાવતા સવાણી ભાઈઓ હાલ કાયદાકીય શિખંજામાં ફસાયા છે. પેન્સિલવેનિયાની કોર્ટે ભાસ્કર અને અરુણ સવાણીને મેડિકેડ છેતરપિંડી, વિઝા ફ્રોડ અને દર્દીઓની સંમતિ વિના પ્રોટોટાઇપ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરવા જેવા ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવ્યા છે. 400 વર્ષથી વધુની જેલની સજાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે. ત્રણ દાયકા સુધી છ રાજ્યોમાં 76 ક્લિનિક્સ ચલાવનાર આ ભાઈઓ પર લાખો ડોલરનું કૌભાંડ આચરવાનો ઠપ્પો લાગ્યો છે.
આરોપી ભાસ્કર સવાણીએ જેલના સળિયા પાછળથી પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે આ આખો કેસ 'રાજકીય રીતે પ્રેરિત' અને વંશીય પૂર્વગ્રહનો નમૂનો છે. તેમનો દાવો છે કે અમેરિકામાં ભારતીયોની સફળતાથી ઈર્ષ્યા કરીને તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. વહીવટી ખામીઓને ગુનાહિત સ્વરૂપ આપીને તેમની છબી ખરડવામાં આવી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. જુલાઈમાં સજાનું અંતિમ એલાન થવાનું છે, ત્યારે સવાણી ભાઈઓએ હવે રાષ્ટ્રપતિની માફી માટે આશા લગાવી છે.
અમરેલીમાં રહેતા તેમના પિતા માધવરાય સવાણી આજે પણ પોતાના પુત્રોની નિર્દોષતા પર અડગ વિશ્વાસ ધરાવે છે. ખેતરમાં ઝૂલા પર બેસીને તેઓ આશા વ્યક્ત કરે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા માફી મળતા તેમના દીકરાઓ મુક્ત થશે. એક તરફ અમેરિકન ન્યાયતંત્ર આને મોટું ગુનાહિત કાવતરું ગણાવે છે, તો બીજી તરફ સવાણી પરિવાર આને પાછલા જન્મના પાપ કે સફળતાની અદેખાઈ ગણાવી ન્યાયની રાહ જોઈ રહ્યો છે. ત્રીજા ભાઈ નિરંજન નિર્દોષ જાહેર થતા પરિવારને થોડી રાહત મળી છે, પરંતુ 'સવાણી ગ્રુપ'નું ભવિષ્ય અત્યારે અંધકારમય દેખાઈ રહ્યું છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
