તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
એક જ વર્ષમાં 4.83 લાખ લોકોનું અમેરિકાથી ડિપોર્ટેશન: ટ્રમ્પ સરકારના ગેરકાયદે ઇમિગ્રેશન સામેની કાર્યવાહીનો નવો રેકોર્ડ
અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)એ વર્ષ 2026 દરમિયાન 4,83,200 લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા:એજન્સીના 23 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટો વાર્ષિક આંકડો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના ઇમિગ્રેશન વિરોધી અભિયાન વચ્ચે ગેરકાયદે ઇમિગ્રેશન સામેની કાર્યવાહીનો નવો રેકોર્ડ નોંધાયો છે. અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)એ નાણાકીય વર્ષ 2026 દરમિયાન 4,83,200 લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા છે. એજન્સીના 23 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટો વાર્ષિક આંકડો છે.
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ICEએ કુલ 4,83,200 લોકોને ડિપોર્ટ કર્યા હતા.
આ આંકડો નાણાકીય વર્ષ 2025માં નોંધાયેલા 4,42,640 ડિપોર્ટેશન કરતાં લગભગ 9% વધારે છે. જ્યારે જો બાઇડેનના કાર્યકાળના અંતિમ વર્ષ 2024માં 2,71,480 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેની સરખામણીએ 2026નો આંકડો લગભગ 78% વધારે છે.
ICEના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2026 દરમિયાન 4,74,850 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ધરપકડ અને ડિપોર્ટેશન અલગ આંકડા છે.
ICEના ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, 2026માં નોંધાયેલો 4,83,200નો આંકડો એજન્સીના 23 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો છે. અગાઉનો રેકોર્ડ નાણાકીય વર્ષ 2025નો હતો, જ્યારે 4,42,640 લોકોને દેશમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા.
જોકે, અમેરિકાના ઇતિહાસમાં 1954માં ડ્વાઇટ ડી. આઇઝનહોવરના શાસનકાળ દરમિયાન 11 લાખથી વધુ લોકોની હકાલપટ્ટી અથવા પરત મોકલવાની કાર્યવાહીનો ઉલ્લેખ થાય છે. આ ઐતિહાસિક આંકડાની ગણતરીની પદ્ધતિ આજના ICEના ડિપોર્ટેશન આંકડાથી અલગ હોઈ શકે છે.
ડિપોર્ટેશનના આંકડામાં વધારો થયો હોવા છતાં, બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી કેટલા લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા તેની સંપૂર્ણ વિગતો DHSએ જાહેર કરી નથી.
ટ્રમ્પ સરકારનું કહેવું છે કે આ કાર્યવાહીનો હેતુ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પગલાં લેવાનો અને દેશની સુરક્ષા જાળવવાનો છે. હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી માર્કવેન મુલિને પણ ટ્રમ્પના નેતૃત્વને આ કાર્યવાહી માટે જવાબદાર ગણાવ્યું છે.
પરંતુ ઇમિગ્રેશન નીતિના ટીકાકારો અને સંશોધકો દ્વારા ડિપોર્ટ કરાયેલા લોકોના ગુનાહિત રેકોર્ડ અંગે વધુ પારદર્શિતાની માગ કરવામાં આવી રહી છે. ઉપલબ્ધ માહિતીમાં એવા લોકોનો પણ સમાવેશ થતો હોવાનું જણાવાયું છે જેમની સામે કોઈ ગુનાહિત દોષસિદ્ધિ નહોતી.
મિનિયાપોલિસમાં કાર્યવાહી સામે વિરોધ
ટ્રમ્પ સરકારના કડક ઇમિગ્રેશન અભિયાનને કારણે અમેરિકાના કેટલાક વિસ્તારોમાં વિરોધ અને સામાજિક તણાવ પણ જોવા મળ્યો છે. ખાસ કરીને મિનિયાપોલિસમાં ફેડરલ અધિકારીઓની મોટી સંખ્યામાં તૈનાતી દરમિયાન થયેલી અથડામણો ચર્ચામાં રહી હતી.
આ કાર્યવાહી સાથે જોડાયેલા બનાવોમાં અમેરિકાના 2 નાગરિકો રેની ગુડ અને એલેક્સ પ્રિટીનાં મોત થયાં હતાં. આ ઘટનાઓ બાદ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની રીત અને ફેડરલ અધિકારીઓની કામગીરી અંગે સવાલો ઊભા થયા હતા.
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશન સામેની કાર્યવાહી હવે માત્ર સુરક્ષાનો મુદ્દો રહી નથી, પરંતુ રાજકીય ચર્ચાનું પણ કેન્દ્ર બની છે. ખેતરો, ફેક્ટરીઓ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા લાંબા સમયથી અમેરિકામાં રહેતા પ્રવાસીઓ સામેની કાર્યવાહીને કારણે કેટલાક વિસ્તારોમાં અસંતોષ ફેલાયો હોવાના અહેવાલો છે.
તાજેતરની મિડટર્મ ચૂંટણીઓ બાદ ડેમોક્રેટિક પાર્ટીની જીત અને ઇમિગ્રેશન એજન્સીઓની કામગીરી પર સંસદીય દેખરેખની માગે આ મુદ્દાને વધુ ચર્ચામાં લાવ્યો છે.
એક તરફ ટ્રમ્પ સરકાર ડિપોર્ટેશનના રેકોર્ડને પોતાની નીતિની સફળતા તરીકે રજૂ કરી રહી છે, તો બીજી તરફ આંકડાઓની પારદર્શિતા, માનવીય અસર અને કાયદાકીય પ્રક્રિયા અંગે ચર્ચા ચાલુ છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
