તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
ઉત્તરાખંડમાં ૪.૯ તિવ્રતાનો ભૂકંપઃ હિમાચલથી લઈને દિલ્હી-NCR સુધી ધરતી ધ્રુજી
ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ભૂકંપઃ લોકોમાં ગભરાટઃ દિલ્હી-એનસીઆર સુધી તેના આંચકા અનુભવાયા

દેહરાદૂન/દિલ્હી તા.૭: ઉત્તરાખંડની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે ચમોલી, પૌડી, રુદ્રપ્રયાગ, અલ્મોડા અને ઉધમ સિહ નગર સહિતના અનેક જિલ્લાઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
રુદ્રપ્રયાગ અને અલ્મોડા જિલ્લાઓમાંથી પણ આવા અહેવાલો મળ્યા હતા. શ્રીનગર અને પૌડી ગઢવાલના લોકોએ પણ આ આંચકાનો અનુભવ કર્યો હતો. એકંદરે, ગઢવાલથી લઈને કુમાઉં સુધીના સમગ્ર વિસ્તારમાં આ આંચકાની અસર અનુભવાઈ હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર) અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિદુ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં, જમીનની સપાટીથી ૧૩ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા ૪.૯ નોંધાઈ હતી. અત્યાર સુધી જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ નથી. જોકે, ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો બૂમો પાડતા પોતપોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. શિમલા (૧૫૪ કિમી), કુરુક્ષેત્ર (૨૫૮કિમી), નોઈડા (૨૭૩કિમી), ચંદીગઢ (૨૭૫કિમી) અને નવી દિલ્હી (૨૮૨ કિમી) સુધીના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નોંધનીય છે કે ઉત્તરાખંડ એક હિમાલયી રાજ્ય છે અને ત્યાં ભૂકંપનું જોખમ ઘણું વધારે છે. અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. સિસ્મિક ઝોનિગ (ભૂકંપ સંવેદનશીલતાના ક્ષેત્રો)ની દ્રષ્ટિએ, ઉત્તરાખંડને ઝોન ૬માં મૂકવામાં આવ્યું છે.
અગાઉ, ભૂકંપ પ્રત્યેની સંવેદનશીલતાના આધારે ઉત્તરાખંડને ઝોન ૪ અને ૫ હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. જોકે, ૨૦૨૫માં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા દેશભરમાં ભૂકંપના જોખમનું મૂલ્યાંકન કરતો નવો નકશો બહાર પાડવામાં આવ્યો હતો. આ નવા વર્ગીકરણ હેઠળ, ઉત્તરાખંડને ઝોન ૪ અને ૫માંથી બદલીને ઝોન ૬માં સામેલ કરવામાં આવ્યું છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
