તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
૫ દાયકા જૂના નાણાકીય વિવાદનો આવ્યો અંતઃ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વચ્ચે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
નવી દિલ્હી ખાતે નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિની ૧૫મી બેઠકમાં આ ઐતિહાસિક સમાધાનને આખરી ઓપ આપવામાં આવ્યો : ગુજરાતને અન્ય ત્રણ રાજ્યો પાસેથી કુલ રૂ.૭૯૭૪.૮૬ કરોડ લેવાના નીકળતા હતા

નવી દિલ્હી તા.૨૮: દાયકાઓથી પેન્ડિંગ રહેલા સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટના નાણાકીય વિવાદનું કેન્દ્ર સરકારની મધ્યસ્થતાથી સફળ નિરાકરણ આવ્યું છે. સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટને લઈને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્ય વચ્ચે છેલ્લા પાંચ દાયકાથી ચાલતા નાણાકીય વિવાદનો અંત આવ્યો હતો. નવી દિલ્હી ખાતે નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિની ૧૫મી બેઠકમાં આ ઐતિહાસિક સમાધાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મહત્વપૂર્ણ સિદ્ધિ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.
આ નિર્ણાયક બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અગાઉ થયેલી સમજૂતીને ઔપચારિક બહાલી આપીને તમામ બાકી ચૂકવણીઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો સંકલ્પ લેવાયો હતો.
સરદાર સરોવર યોજના અંતર્ગત બાંધકામ ખર્ચની વહેંચણી, વ્યાજની ગણતરી, ડૂબાણગ્રસ્ત જમીનનું વળતર તેમજ વિસ્થાપિતોના પુનર્વસન ખર્ચને લઈને ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલતી હતી.
ગુજરાત સરકારના આંકડા મુજબ ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં ગુજરાતને અન્ય ત્રણ રાજ્યો પાસેથી કુલ રૂ.૭૯૭૪.૮૬ કરોડ લેવાના નીકળતા હતા, જેમાં મધ્ય પ્રદેશ પાસેથી રૂ.૫૫૧૬.૫૦ કરોડ, મહારાષ્ટ્ર પાસેથી રૂ. ૧૮૮૩.૮૪ કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ. ૫૭૪.૫૨ કરોડ લેવાના બાકી હતા. સામે પક્ષે મધ્ય પ્રદેશે પણ બંધના કારણે થયેલા જમીન ડૂબાણ પેટે ગુજરાત સામે રૂ. ૭૬૬૯ કરોડના વળતર દાવો કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મધ્યસ્થતા બાદ તમામ રાજ્યો વચ્ચે વન-ટાઇમ સેટલમેન્ટની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી હતી. આ સમજૂતી હેઠળ યોજનાના મુખ્ય લાભાર્થી તરીકે ગુજરાતનો પુનઃવસન ખર્ચ હિસ્સો ૫૦.૫૭ ટકાથી વધારીને ૭૫ ટકા કરવામાં આવ્યો હતો. પુનઃવસન ખર્ચમાં મધ્ય પ્રદેશનો હિસ્સો ૩૧.૯૮ ટકાથી ઘટાડીને ૧૬.૧૭ ટકા કરાયો હતો. તેમજ મધ્યપ્રદેશે ગુજરાત સામેનો રૂ. ૭૬૬૯ કરોડનો દાવો જતો કર્યો હતો. મહારાષ્ટ્રનો હિસ્સો ૭.૭૬ ટકા કરવામાં આવ્યો હતો.
આ પરસ્પર સમજૂતી અને સુધારાત્મક ફોર્મ્યુલાથી ચારેય રાજ્યો વચ્ચેના નાણાકીય હિસાબો સંપૂર્ણપણે ક્લિયર થયા હતા. જેનાથી નર્મદા યોજનાના વહીવટ અને ભવિષ્યના વિકાસકાર્યોને નવું બળ મળશે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
