<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

CEOની નિયુક્‍તિ ન થાય ત્‍યાં સુધી ૫ સંત રામ મંદિરની કમાન સંભાળશે

અયોધ્‍યામાં શ્રીરામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્રના ન્‍યાસિઓની બેઠકઃ કેટલાય મહત્ત્વના મુદ્દા પર નિર્ણય લેવાયા

અયોધ્‍યા તા.૨૩: રામ મંદિરમાં ચઢાવા ચોરી બાદ મંદિર ટ્રસ્‍ટની બીજી બેઠક યોજાઈ. આ બેઠક બાદ રામ મંદિર ટ્રસ્‍ટે જણાવ્‍યું કે, નવા CEOની પસંદગી હજુ નથી થઈ. તેમાં લગભગ એક મહિનો લાગી શકે છે. ત્‍યાં સુધી અયોધ્‍યાના ૫ સંત મંદિરનું સંચાલન કરશે અને કાર્યભાર સંભાળશે. ગોવિદ ગિરીની અધ્‍યક્ષતામાં ધાર્મિક સમિતિ બનાવી છે. તેમાં સ્‍વામી રામાનંદ દાસ, મહંત રાજકુમાર દાસ, સ્‍વામી વિશ્વપ્રસન્ન તીર્થ, સ્‍વામી કમલનયન દાસ, સ્‍વામી વાસુદેવાનંદ સરસ્‍વતી અને સ્‍વામી દિનેન્‍દ્રદાસ સામેલ છે.

અયોધ્‍યામાં શ્રીરામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્રના ન્‍યાસિઓની બેઠક યોજાઈ. જેમાં કેટલાય મહત્ત્વના મુદ્દા પર નિર્ણય લેવાયા. બેઠકમાં એસઆઈટીની તપાસ, ચઢાવા રાશી ગણતરીમાં અનિયમિતતા પર એસઆઈટીના રિપોર્ટની રાહ, સુપ્રીમ કોર્ટના આદેશને ધ્‍યાનમાં લેવામાં આવ્‍યો. ટ્રસ્‍ટની બેઠકમાં ચઢાવા ગણતરી કક્ષ સહિત આખા મંદિર પરિસરમાં સીસીટીવીની સુરક્ષા અધિકારીઓ સુધી સીધી પહોંચ પર સંતોષ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો. ચઢાવાના સોના-ચાંદીની માત્રા અને શુદ્ધતા તપાસ માટે આરબીઆઈની ટંકશાળ સાથે વ્‍યવસ્‍થા ચાલું રહેશે. ચઢાવાની ગણતરીમાં એસબીઆઈ બેન્‍કની લાપરવાહી પર ન્‍યાસિઓએ નિરાશા વ્‍યક્‍ત કરી. સંબંધો અને પ્રક્રિયાઓ પર ફેરવિચારણાના નિર્દેશ આપ્‍યા છે.

મુખ્‍ય કાર્યકારી અધિકારીના સિલેક્‍શન માટે બનાવેલી સમિતિને ૧ મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્‍યો છે. અસ્‍થાયી વ્‍યવસ્‍થા અંતર્ગત સચિવની નિયુક્‍તિ થશે. મીડિયાના માધ્‍યમ સાથે સંવાદ કરવા માટે શ્રીરામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્‍યાસ પોતાના સત્તાવાર પ્રવક્‍તા નિયુક્‍ત કરશે. બેઠકમાં દુષ્‍પ્રચાર છતાં શ્રદ્ધાળુઓની સંખ્‍યા યથાવત રહેવા પર ન્‍યાસે સંત સમાજ, રામભક્‍તો અને અવધ વાસીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો.

ટ્રસ્‍ટની બેઠક બાદ મહંત દિનેન્‍દ્ર દાસે જણાવ્‍યું કે, મંદિરના તમામ કાર્ય સુચારુ રીતે ચાલી રહ્યા છે. વિપક્ષના આરોપ રાજનીતિથી પ્રેરિત છે. બેન્‍ક વિવાદમાં ટ્રસ્‍ટનો કોઈ સભ્‍ય સામેલ નથી. બેન્‍કની ભૂલ જોવા મળી. જરૂરી સુધારા થશે. રામ જન્‍મભૂમિ ટ્રસ્‍ટની આગામી બેઠક ૨ સપ્‍ટેમ્‍બરના રોજ યોજાશે. આ બેઠકમાં કેટલાય મહત્ત્વના મુદ્દા પર ચર્ચા થશે

(10:20 AM IST)