તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
સરકારી વાહનોના ઇંધણમાં ૫૦% કાપ, વિદેશ પ્રવાસ - નવી ખરીદી પર પણ રોક
પાકિસ્તાનમાં વધ્યું આર્થિક દબાણ! કરકસરના પગલાં જાહેર

ઇસ્લામાબાદ તા.૧૮: પાકિસ્તાનમાં વધતા આર્થિક દબાણ વચ્ચે સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે અનેક મહત્વપૂર્ણ કરકસરના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. આ પગલાં હેઠળ આગામી ત્રણ મહિના માટે સરકારી વાહનો માટેની ઇંધણ ફાળવણીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૦૨૬-૨૭ના નાણાકીય વર્ષ માટે સરકારી બજેટમાં દર મહિને ૫ ટકાનો ઘટાડો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ લાવી સરકારી તિજોરી પરનો ભાર ઘટાડવાનો હોવાનું માનવામાં આવે છે. જોકે, સશષ દળો, કાયદા અમલીકરણ એજન્સીઓ, આવશ્યક સેવાઓ અને ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુના વાહનોને ઇંધણ સંબંધિત પ્રતિબંધોમાં ચોક્કસ શરતો હેઠળ છૂટ આપવામાં આવી છે.
સરકારી ખર્ચ ઘટાડવાના આ પ્લાન હેઠળ વિકાસ પ્રોજેક્ટ્સ સિવાય નવા સરકારી વાહનોની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, આઇટી સાધનો અને સેવાઓને બાદ કરતાં ટકાઉ માલની ખરીદી પર પણ રોક લગાવવામાં આવી છે. સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા સેમિનાર, તાલીમ સત્રો અને પરિષદોના આયોજનને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, જોકે જરૂરિયાત જણાય તેવા કાર્યક્રમોને ચોક્કસ છૂટ મળી શકે છે. વિદેશ પ્રવાસ પર પણ ત્રણ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં જરૂરી સત્તાવાર મુલાકાતોને શરતોને આધિન છૂટ આપવામાં આવી શકે છે. સાથે જ શહેરની અંદરની બેઠકોને બાદ કરતાં સરકારી બેઠકો માટે ટેલિકોન્ફરન્સિંગને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવાયો છે. સત્તાવાર રાત્રિભોજન પર પણ રોક રહેશે, જોકે વિદેશી પ્રતિનિધિમંડળોનું આયોજન કરનારા કાર્યક્રમોને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે.
સરકારના નવા કરકસરના પગલાંમાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની વિદેશ યાત્રાને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવશ્યક વિદેશી મુલાકાત દરમિયાન તેમણે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવી ફરજિયાત રહેશે. આ સમગ્ર નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય તેલ શિપિગ રૂટ્સમાં વિક્ષેપને લઈને ચિંતા વધી રહી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ-અલ-મંદેબ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાં સંભવિત વિક્ષેપને કારણે ઇંધણના પુરવઠા અને કિમતો પર દબાણ વધ્યું છે. પાકિસ્તાન સરકારે અગાઉ માર્ચમાં પણ કરકસરના કેટલાક પગલાં રજૂ કર્યા હતા અને હવે નવા પ્રતિબંધો દ્વારા સરકારી ખર્ચને વધુ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, વિકાસ પ્રોજેક્ટ્સ સહિત કેટલીક આવશ્યક સેવાઓ અને ખર્ચને આ પ્રતિબંધોમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
