News of Tuesday, 17th November 2026
BLA ના ડ્રોન હુમલામાં મેજર સહિત ૬ પાકિસ્તાની સૈનિકો ઠાર
અત્યાર સુધી સુરક્ષિત મનાતી પાકિસ્તાની લશ્કરી છાવણીઓ પર હાઈ-ટેક ડ્રોન પ્રહારો શરૂ થતા ઈસ્લામાબાદમાં ફફડાટ

ક્વેટા, તા.૧૭: બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના માટે હવે જમીનની સાથે સાથે આકાશમાંથી પણ ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે બલૂચ લિબરેશન આર્મી એ મસ્તુતાંગ જિલ્લામાં કરેલા એક ભીષણ ડ્રોન હુમલાનો સનસનાટીભર્યો વીડિયો જાહેર કર્યો છે. સંગઠનના દાવા મુજબ, ૧૪ નવેમ્બરના રોજ કર્દગાપ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યના કાફલા પર કરવામાં આવેલા આ સચોટ હુમલામાં ૪૪મી ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટના મેજર ઉમર મિન્હાસ અને હવાલદાર અદનાન સહિત કુલ ૬ જવાનો માર્યા ગયા છે. BLA ના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઓપરેશન તેમની ગુપ્તચર પાંખ ZIRAB પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમના વિશેષ હવાઈ અને ડ્રોન યુનિટ QAHR દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.
નવેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં કલાત અને મસ્તુતાંગ જિલ્લામાં થયેલા શ્રેણીબદ્ધ ચાર ડ્રોન પ્રહારોની કડીનો એક ભાગ છે.
અગાઉ ૫ નવેમ્બરે કલાતના મંગોચરમાં, ૯ નવેમ્બરે મસ્તુતાંગના ખુડ કોચા ખાતેની મુખ્ય લશ્કરી છાવણી પર અને ૧૧ નવેમ્બરે આ જ વિસ્તારમાં ડ્રોન હુમલા કરીને પાકિસ્તાની દળોને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ૧૬ નવેમ્બરે જાહેર કરાયેલા નિવેદનમાં BLA ના પ્રવક્તા જિયાંદ બલોચે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સંગઠનની વધેલી ડ્રોન ક્ષમતાઓએ અગાઉ અભેદ્ય ગણાતી લશ્કરી છાવણીઓને પણ નિશાન બનાવવાનું શકય બનાવ્યું છે અને આગામી દિવસોમાં સૈન્ય કાફલાઓ પર આવા હુમલા વધુ તેજ બનશે.
બીજી તરફ, પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPR દ્વારા આ હુમલામાં એક મેજર સહિત બે જવાનોના મોતની આંશિક પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ ૬ સૈનિકોના મોતના BLA ના દાવા પર મૌન સેવવામાં આવ્યું છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
