તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ફિલિપાઈન્સના મિન્ડાનાઓ ટાપુ પર ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ : ધરતી ધ્રૂજતા લોકોમાં ફેલાયો ફફડાટ
જમીનથી ૨૯ કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું : જાનહાનિ કે સુનામીનો કોઈ ખતરો નહીં હોવાનું તંત્ર દ્વારા જાહેર, સતર્ક રહેવા અપીલ

ફિલિપાઇન્સ:દક્ષિણ ફિલિપાઇન્સના મિન્ડાનાઓ ટાપુ પર શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે ડરેલા લોકો તાત્કાલિક પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) ના અહેવાલ મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ નોંધવામાં આવી છે અને તેનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી ૨૯ કિલોમીટરની ઊંડાઈએ હતું.
તંત્ર દ્વારા સ્થિતિનું મૂલ્યાંકન:
ભૂકંપની આ ઘટના બાદ તંત્ર દ્વારા રાહતના શ્વાસ લેવામાં આવ્યા છે, કારણ કે અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. આ સાથે જ કોઈ વ્યક્તિના મોત અથવા મોટા પાયે આર્થિક નુકસાન થયાના કોઈ તાત્કાલિક અહેવાલ પ્રાપ્ત થયા નથી. હાલમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રએ સંભવિત આફ્ટરશોક્સને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા માટે તાકીદ કરી છે.
પ્રશાંત મહાસાગરના 'રિંગ ઓફ ફાયર' પર ફિલિપાઈન્સ:
ફિલિપાઈન્સનું ભૌગોલિક સ્થાન પ્રશાંત મહાસાગરના અત્યંત સક્રિય અને ભૂકંપ સંવેદનશીલ એવા 'પેસિફિક રિંગ ઓફ ફાયર' પર આવેલું છે. આ કારણોસર ફિલિપાઈન્સમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે અને અહીં હંમેશા જ્વાળામુખીની ગતિવિધિઓનો ખતરો પણ તોળાયેલો રહે છે. નોંધનીય છે કે, માત્ર થોડા સપ્તાહ પહેલા જ દક્ષિણ ફિલિપાઈન્સમાં એક અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ૮૦થી વધુ લોકોના મોત નીપજ્યા હતા અને મિન્ડાનાઓના અનેક વિસ્તારોમાં વ્યાપક વિનાશ સર્જાયો હતો. આ નવી ઘટનાએ સ્થાનિક રહીશોમાં ફરીથી જૂની યાદો તાજી કરી દીધી છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
