<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો ઝટકો

વિજિલન્‍સ વિભાગના રડારમાં આવ્‍યા CMના અંગત સચિવ : હટાવી દીધા

નવી દિલ્‍હી તા. ૧૧ : દિલ્‍હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો ઝટકો લાગ્‍યો છે. વિજિલન્‍સ વિભાગે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને તેમને હટાવી દીધા છે. મંગળવારે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારે તિહાર જેલમાં આમ આદમી પાર્ટીના નેતા સાથે મુલાકાત કરી હતી.

વિજિલન્‍સ વિભાગે અરવિંદ કેજરીવાલના પીએ એટલે કે ખાનગી સચિવ બિભવ કુમારની નિમણૂકને યોગ્‍ય ગણી નથી. વિજિલન્‍સ વિભાગના વિશેષ સચિવ વાયવીવીજે રાજશેખર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે, બિભવ કુમારની નિમણૂક માટે નિર્ધારિત પ્રક્રિયા અને નિયમોનું પ્રમાણિકપણે પાલન કરવામાં આવ્‍યું ન હતું, તેથી આવી નિમણૂક ગેરકાયદેસર અને અમાન્‍ય છે.

વિજિલન્‍સ ડિરેક્‍ટોરેટે ૧૦ એપ્રિલથી દિલ્‍હીના મુખ્‍યમંત્રીના ખાનગી સચિવ બિભવ કુમારની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. આ આદેશમાં સરકારી કર્મચારી પર હુમલો કરવા અને કામમાં અવરોધ લાવવા માટે બિભવ કુમાર સામે ૨૦૦૭ના કાનૂની કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. ફફૂરૂત૧૮ ઇન્‍ડિયા પાસે ઓર્ડરની કોપી પણ છે.

વિજિલન્‍સ વિભાગે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર વિરૂદ્ધ એવા સમયે કાર્યવાહી કરી છે જયારે EDએ થોડા દિવસ પહેલા જ તેમની પૂછપરછ કરી હતી. એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે ૮ એપ્રિલે દિલ્‍હી દારૂ કૌભાંડ કેસમાં બિભવ કુમારની પૂછપરછ કરી હતી. અરવિંદ કેજરીવાલ પણ એક્‍સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે.

EDએ અરવિંદ કેજરીવાલની દિલ્‍હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્‍ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. કેજરીવાલની એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) દ્વારા ૨૧ માર્ચે સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.

(5:04 PM IST)