તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th April 2024
મિડલ ઈસ્ટના સંકટ દરમિયાન મોંઘવારી વધવાના એંધાણ:ક્રુડ ઓઈલ 90 ડોલરને પાર
ભારત જેવા આયાતકાર દેશો પર આર્થિક બોજ વધી શકે: રિઝર્વ બેંક દ્વારા મોંઘવારીના દરને નીચે લઈ જવાના પ્રયત્ન પર પ્રતિકૂળ અસર પડી શકે

નવી દિલ્હી: ફરી એકવાર ક્રુડ ઓઈલના ભાવમાં વધારો આવ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલી તણાવની સ્થિતિ અને પુરવઠાને અસર થવાની શક્યતાને જોતા ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે. બ્રેડ ક્રુડના ભાવ છેલ્લા બે દિવસથી સતત 90 ડોલરની સપાટી ઉપર છે.
ક્રુડ ઓઈલની કિંમત વધવાને પગલે ભારત જેવા આયાતકાર દેશો પર આર્થિક બોજ વધી શકે છે. રિઝર્વ બેંક દ્વારા મોંઘવારીના દરને નીચે લઈ જવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે તેવા સમયમાં ક્રુડના ભાવમાં વધારો પ્રતિકૂળ અસર સર્જી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડનો બેરલ દીઠ ભાવ 90 ડોલર છે જ્યારે ડબ્લ્યુટીઆઈ ક્રુડનો ભાવ 86 ડોલર આસપાસ છે.
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે હવે ઈરાન સાથે પણ સંઘર્ષ વધવાના એંધાણ મળી રહ્યા છે. આ સંજોગોમાં ક્રુડના પુરવઠા પર વિપરીત અસર થઈ શકે છે. દરમિયાન ક્રુડની કિંમતોમાં વધારો થવાના સંજોગોમાં ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર થઈ શકે છે.
ભારત પોતાની જરૂરિયાતના આશરે 80 ટકા ઓઈલની આયાત કરે છે. ભાવ વધવાથી ભારતને અનેક સ્તરે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ મોંઘા ઈંધણથી અર્થતંત્રમાં વિકાસ પર અસર થઈ શકે છે.
બીજી બાજુ નિષ્ણાતોનું માનવું છે કે ભાવ ઊંચામાં 94 ડોલર જઈ શકે છે. આ સંજોગોમાં નજીકના ભવિષ્યમાં વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતા પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
