<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

સવારથી સાંજ સુધી જીએસટી પોર્ટલ પર લોગીન કરવામાં જ કરદાતાને મુશ્‍કેલી

સર્વરના ધાંધિયા, GSTR-1 ભરવામાં પરેશાની

રિટર્ન ભરવાના છેલ્લા દિવસોમાં સર્જાતી સમસ્‍યા ઉકેલવામાં સદંતર નિષ્‍ફળ

મુંબઇ,તા. ૧૨: દર મહિનાથી ૧૦ તારીખ સુધીમા જીએસટીઆર-૧ ભરી દેવામાં આવે તો જ તે પહેલાના મહિનાથી ક્રેડિટ કરદાતાને મળતી હોય છે. જેથી મોટાભાગના જીએસટી કરદાતાઓ દ્વારા ૧૦ તારીખ સુધીમાં જીએસટીઆર-૧ ભરી દેતા હોય છે. પરંતુ છેલ્લા બે દિવસથી જીએસટી સર્વરમાં સમસ્‍યા સર્જાતા કરદાતા રિટર્ન ભરવા માટે લોગીન જ કરી શકતા નથી. તેના કારણે માર્ચ મહિનાનું જીએસટીઆર-૧ વેપારીઓ નહીં ભરી શકતા સૌથી વધુ ઉહાપોહ થયો છે. તેમ છતાં તેને ઉકેલવા માટે હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ જ અપનાવવામાં આવી રહી  હોવાની ચર્ચા ઉઠી છે.

મહિના દરમિયાન કરવામાં આવેલા ખરીદ-વેચાણની વિગતો બીજા મહિનાની ૧૦ તારીખ સુધીમાં જીએસટી પોર્ટલ પર જીએસટીઆર-૧માં દર્શાવવાની હોય છે. કારણ કે જીએસટીઆર-૧ ભરવામાં આવ્‍યા બાદ વેપારી દ્વારા૨૦ તારીખ સુધીમાં ૩ બી રિટર્ન ભરપાઇ કરે ત્‍યારે તે મહિના દરમિયાન ખરીદ કરેલી વસ્‍તુ પેટે ચૂકવેલી જીએસટીની રકમમાંથી કેટલીક રકમ ક્રેડિટ સ્‍વરૂપે બાદ મળતી હોય છે. પરંતુ વેપારી દ્વારા જીએસટીઆર-૧ સમયસર ભરપાઇ કરવામાં નહીં આવે તો તે ક્રેડિટ બીજે મહિને મળતી હોય છે. પરંતુ માર્ચ મહિનાનું રિટર્ન એપ્રિલની ૧૦ તારીખ સુધી ભરવા માટે વેપારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સર્વરની મોકાણને કારણે વેપારી લોગીન જ થઇ શકતા નથી. આ સમસ્‍યા વર્ષમાં ત્રણથી ચાર વખતે સર્જાતી હોવા છતા આજદિન સુધી તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્‍યુ નથી. તેના લીધે વેપારીઓ એવો પણ બળાપો કાઢી રહ્યા છે કે વેપારી પાસેથી નાણા તો વસૂલવા છે પરંતુ સુવિધા આપવામાં દર વખતે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના કરદાતાઓ રિર્ટન ભરવાના છેલ્લા દિવસો દરમ્‍યાન રિટર્ન ફાઇલ કરતા હોય છે. તેના લીધે સર્વર પર વધુ પડતો લોડ આવવાના લીધે પણ આવી સમસ્‍યા સર્જાતી હોવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. જો કે વર્ષ ૨૦૧૭થી જીએસટી લાગુ કરજામાં આવ્‍યુ હતું તે વાતે છ વર્ષ કરતા વધુ સમય વીતી જવા છતાં સર્વરની સમસ્‍યા યથાવત છે.

 

(5:56 PM IST)