તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 13th April 2024
રાજકીય પક્ષોને ડોનેશન આપી કાળા નાણાને ધોળા કરવાનો ખેલ
ઇનકમટેક્સ બચાવવા માટે મોટા વેપારીઓ લાખો-કરોડોનું ડોનેશન રાજકીય પક્ષોને કરતા હોય છે : ગુજરાતમાં જ આવી નોંધાયેલી ૫૦થી વધુ રાજકીય પાર્ટીઓના આર્થિક વ્યવહારોની વિગતો આયકર વિભાગે એકત્રિત કરી લીધી છે : હવે આવી રાજકીય પાર્ટીઓ અને તેમાં ડોનેશન આપનાર લોકોની તપાસ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૩: વર્ષોથી ચોક્કસ રાજકીય પક્ષો દ્વારા લોકો પાસેથી ફંડના નામે રૂપિયા લઇ નક્કી કરેલું કમિશન વસૂલી બાકીના રૂપિયા જે-તે દાતાને પરત આપી દેવાની પ્રેક્ટિસ ચાલી રહી છે. જેને પગલે આવી પાર્ટી પર ઇનકમ ટેક્સની વોચ વધી છે. માત્ર ગુજરાતમાં જ આવી નોંધાયેલી ૫૦થી વધુ રાજકીય પાર્ટીઓના આર્થિક વ્યવહારોની વિગતો આયકર વિભાગે એકત્રિત કરી લીધી છે. હવે આવી રાજકીય પાર્ટીઓ અને તેમાં ડોનેશન આપનાર લોકોની તપાસ કરવામાં આવશે. સામાન્ય રીતે આવી પાર્ટીઓ મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓને ડોનેશનના ૫થી ૧૦ ટકા જેટલું કમિશન લઇને લાખો રૂપિયાનો ઇનકમ ટેક્સ બચાવી આપતી હોય છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે આવી જ રીતે કમિશન લઇને ઇનકમ ટેક્સ બચાવી આપતી બનાવટી રાજકીય પાર્ટીના માસ્ટર માઇન્ટની ધરપકડ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
ધો. ૧૨ ફેલ યુવાને રાજકીય પક્ષ એનસીપીના નામનું બેંક એકાઉન્ટ ખોલાવી લોકોને ૧૦૦ ટકા ઇનકમ ટેક્સ રિબેટ અપાવાની લાલચ આપી ૨.૮૦ કરોડ રૂપિયા ઉઘરાવી લીધા હતા. તેણે ૧૦પ્ર૧૫ લાખ કમિશન લઇને બાકીના પૈસા ડોનરોને પરત કરી દીધા હતા. આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાંચે તપાસ કરીને કાંડ કરનાર મહંમદ આમીર શેખને ઝડપી લીધો છે. તેણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપીના) ભળતા નામ એટલે કે નેચર્સ સિરિયલ પેકેજીંગ (એનસીપી)ના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું અને સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષ એનસીપીને ફંડ આપો અને ૧૦૦ ટકા ઇનક્મ ટેકસ રિબેટ મેળવો તેવી જાહેરાત કરી હતી. જે લોકોએ તેને ફંડ આપ્યું હતું તેમને આમીર શેખે રાજકીય પક્ષ એનસીપીની રિસીપ્ટ આપી હતી. હવે આ સમગ્ર કૌભાંડમાં ડોનેશનના નામે રૂપિયા આપનાર અને રૂપિયા પડાવનારને પરસ્પર એકબીજા સામે કોઇજ વાંધો નહોતો. આ કૌભાંડની જાણ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ખજાનચીને થઇ અને તેમણે ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
હવે એનસીપીના નામે બોગસ એકાઉન્ટ ખોલાવનાર આમીર શેખે ૮૬ લોકો પાસેથી ૨.૮૦ કરોડ ડોનેશનના નામે લીધા અને કમિશન કાપીને રૂપિયા પરત આપી દીધા હતા પરંતુ આવી રીતે ઇનકમ ટેક્સ બચાવવાનો ખેલ થાય છે તે વાત વધુ એક વખત સાબિત થઇ છે. હાલ તો પોલીસે ૮૬ ડોનરોની વિગતો આયકર વિભાગને આપી દીધી છે અને આયકર વિભાગ તેમની કરચોરી શોધવાની કવાયત કરશે.
ઇનકમ ટેક્સ વિભાગ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ આવી ઘણી રાજકીય પાર્ટીઓની વિગતો તેમણે મેળવી લીધી છે. ચૂંટણી ટાણે તેમની આર્થિક મૂવમેન્ટ વધી જતી હોય છે. તેઓ નિયમિત રીતે કમિશન લઇને લોકોના ડોનેશનના રૂપિયા પરત આપતા હોય છે. માત્ર ગુજરાતમાં જ આવી ૫૦થી વધુ પોલિટિકલ પાર્ટીઓ સામે આગામી દિવસોમાં ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા પગલાં લેવાશે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
