<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

મોંઘવારી મધ્‍યમવર્ગ - ગરીબ વર્ગની ઉંઘ હરામ કરી રહી છે

વિવિધ દાળના ભાવો આસમાને : દરેકનો ભાવ ૧૦૦ થી ઉપર

બજારમાં માલ નહિ હોવાથી ભાવો વધી રહ્યા છે : વેપારીઓની દલીલ

મુંબઇ, તા.૧૩: ચૂંટણીનો માહોલ જામ્‍યો છે અને તમામ રાજનૈતિક પાર્ટી પોતપોતાના મતદારોને રીઝવવાની કોશિશ કરી રહી છે. સત્તાપક્ષ પોતાની સિદ્ધિઓ જણાવે અને વિપક્ષ તેમની ટીકા કરે, પણ આ ચૂંટણીમાં એક મુદ્દો ગાયબ છે જે સામાન્‍ય જનતાને સૌથી પરેશાન કરી રહ્યો છે અને તે છે મોંઘવારી. ધીમે ધીમે ડંખ મારી રહી છે. ખાસ કરીને રોજબરોજ વપરાતી ખાદ્ય વસ્‍તુઓમાં નડતી મોંઘવારી મધ્‍યમવર્ગ અને ગરીબવર્ગની કમર તોડી રહી છે. દાળની જ વાત કરીએ તો દાળના ભાવ આસમાને ગયા છે.

સૌથી વધુ વપરાતી એવી તુવેરદાળની વાત કરીએ તો સારી ક્‍વોલિટીની દાળ કિલોદીઠ રૂ.૧૭૦ થી ૧૮૦ના ભાવે મળે છે. તુવેરની દાળ સિવાય અન્‍ય દાળના પણ એવા જ ભાવ છે. જેમકે અળદની દાળ રૂ.૧૨૦થી ૧૩૦ સુધી મળે છે. મસૂરની દાળ રૂ. ૧૦૦થી રૂ. ૧૧૦ના ભાવે, તો ચણાદાળ રૂ. ૯૦થી ૧૦૦ રૂપિયે કિલોના ભાવે મળે છે.

કોઈપણ વસ્‍તુની માગ હોય અને પુરવઠો ન હોય ત્‍યારે જ તેનો ભાવ વધતો હોય છે. જેટલી ખપત તુવેરદાળની છે તેના પ્રમાણમાં પ્રોડક્‍શન ઓછું થયું છે. મે મહિનામાં હજુ ભાવ વધવાની સંભાવના છે. કિલોએ ત્રણથી પાંચ રૂપિયા છેલ્લા દસેક દિવસમાં જ વધી ગયા છે. બજારમાં માલ જ ન હોવાથી ભાવ વધતો જાય છે તેમ વેપારીનું કહેવાનું છે.

દાળના ભાવ વધતાની સાથે જ હોટેલ અને રેસ્‍ટોરાંમાં પણ ભાવ વધવા માંડયા છે. દક્ષિણથી માંડીને ગુજરાતી થાળીઓમાં કે ઘણી વાનગીમાં દાળનો ઉપયોગ થાય છે.

નિષ્‍ણાતોનું માનીએ તો દક્ષિણમાં દાળનું પ્રોડકશન ઓછું થયું છે તેથી જૂન મહિના સુધી આ સ્‍થિતિ રહેશે. પહાડી વિસ્‍તારમાંથી નવા પાકની આવક બાદ થોડી રાહતની શકયતા છે. બીજી બાજુ ઈ-કૉમર્સ પ્‍લેટફોર્મ પર તુવેરની દાળનો ભાવ રૂ. ૨૦૦ જેટલો છે. અમુક મોટી બ્રાન્‍ડ રૂ. ૨૫૦ પણ કિલોનો ભાવ લે છે.

સરકારે ભાવને અંકુશમાં લેવાની કોશિશ કરી છે, પરંતુ સતત વધતા ભાવ આમ જનતાનું પેટ ખાલી રાખે છે. દાળ પ્રોટિનનો મુખ્‍યસ્ત્રોત છે અને દરેક ઘરમાં બનતી વસ્‍તુ છે, પરંતુ ઘણા પરિવારો હવે દાળના પણ વિકલ્‍પ શોધી રહ્યા છે. ઉનાળામાં શાકભાજી ઓછા મળે અને મોંઘા પણ હોય છે ત્‍યારે દાળના ભાવ પણ અસહ્ય બની જતા બે ટંકનો રોટલો પણ ગજ્‍જા બહારનો બની ગયો છે.

(4:21 PM IST)