<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

મહિલાને અર્ધનગ્ન કરી, વાળ ખેંચીને પરેડ કરાવીઃ વીડિયો વાયરલ

રાજસ્‍થાનમાં વધુ એક શરમજનક ઘટના.. મહિલાનો ગુનો માત્ર એટલો કે તેનું પરણીત પુરૂષ સાથે અફેર હતું

જયપુર,તા. ૧૫: લોકસભા ચૂંટણી ૨૦૨૪ પ્રચારના હોબાળા વચ્‍ચે રાજસ્‍થાનમાં વધુ એક શરમજનક બાબત સામે આવી છે. ગત વર્ષે રાજયના પ્રતાપગઢ જિલ્લામાં એક મહિલાને અડધી નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી પહેલા પ્રતાપગઢમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં રાજસ્‍થાનની છબી ખરાબ કરી હતી. ત્‍યારે હવે લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા આવી જ એક ઘટના રાજસ્‍થાનના બાલોત્રા જિલ્લામાંથી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાલોત્રા જિલ્લાના સમદરી વિસ્‍તારમાં નગ્ન અવસ્‍થામાં ફરતી મહિલાઓનો વીડિયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના સામે આવ્‍યા બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજસ્‍થાનના બાલોત્રા જિલ્લાના સમદરી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના એક ગામમાં, એક મહિલાને કેટલીક મહિલાઓ દ્વારા અર્ધ-નગ્ન અવસ્‍થામાં તેના વાળ ખેંચીને ગામની આસપાસ પરેડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. મામલાને ગંભીરતાથી લેતા, બાલોત્રા જિલ્લા પોલીસ અધિક્ષક કુંદન કંવરિયાએ એક ટીમ બનાવી અને સિવાના નાયબ પોલીસ અધિક્ષક નીરજ શર્મા, સમદારી પોલીસ સ્‍ટેશનના અધિકારી ગીતા ચૌધરીને તાત્‍કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્‍યો હતો. જે બાદ પોલીસે ઘટનાની માહિતી મેળવી અને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મીડિયા રિપોર્ટના અહેવાલ અનુસાર મહિલા સાથે ગામની કેટલીક મહિલાઓએ પ્રેમ પ્રકરણને કારણે આ ઘટનાને અંજામ આપ્‍યો હતો. પીડિત મહિલાનું એક પરિણીત પુરુષ સાથે અફેર હતું. વાયરલ વીડિયોમાં પીડિતાને અર્ધનગ્ન કરીને પરેડ કરવામાં આવી રહી છે. તેના વાળથી તેને ખેંચવામાં આવી રહી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્‍યસ્‍ત છે.

બાલોત્રા-સામદરી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સરવાડી ગામમાં એક મહિલાને માર મારવામાં આવી અને અર્ધ નગ્ન થઈ જવાના બનાવ સંદર્ભે પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરી સામદરી પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધ્‍યો હતો. વાયરલ વીડિયોના આધારે પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે. પીડિત મહિલાનું મહિલા કાઉન્‍સેલર દ્વારા કાઉન્‍સિલિંગ કરવામાં આવી રહ્યું છે.

મામલાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને, શ્રીમતી નીરજ શર્મા આરપીએસ, સીઓ સિવાનાના નેતૃત્‍વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા પુરૂષ/સ્ત્રી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની દેખરેખ પોલીસ અધિક્ષક અને અધિક પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલામાં પોલીસે લોકોને વીડિયો વાયરલ ન કરવા અપીલ કરી છે. આવું કરવું સ્ત્રીની ગરિમાની વિરુદ્ધ અને કાયદાકીય અપરાધ છે.

તમને જણાવી દઈએ કે, રાજસ્‍થાનમાં આવો બનાવ બન્‍યો હોય તેવી કંઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અનેકવાર રાજસ્‍થાનમાં આ પ્રકારની ઘટના બની છે.

 

(11:32 AM IST)