તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd April 2024
નવ વર્ષ પછી પહેલીવાર સામે આવી છોટા રાજનની તસવીર
૨૦૧૫માં ઝડપાયા પછી તિહાર જેલમાં સજા કાપી રહ્યો છે

નવી દિલ્હી,તા. ૨૨: દાઉદ ઈબ્રાહિમ નો જાની દુશ્મન અને દિલ્હીની તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તાજેતરની તસવીર સામે આવી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ વર્ષ ૨૦૧૫માં છોટા રાજનને વિદેશમાંથી પકડ્યો હતો ત્યારબાદ તેને ભારત લવાયો હતો, ત્યારે વર્ષ ૨૦૧૫ બાદની તેની પ્રથમ તસવીર સામે આવી છે. છોટા રાજનની જે બે તસવીરો સામે આવી છે, તેમાંથી એક ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની છે અને બીજી તસવીર એમ્બ્યુલન્સ વાનની છે.
અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે, અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાથી મોત થયું છે. હાલ તે દિલ્હીની તિહાર જેલ નંબર-૨માં બંધ છે. જેલ નંબર-૨માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બંધ છે.
એક સમય એવો હતો કે, છોટા રાજન મોસ્ટ વોન્ટેડ અંડવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકનો હતો. જોકે ૧૯૯૩માં બોંબ વિસ્ફોટની ઘટના બન્યા બાદ બંને વચ્ચે વિવાદ થયો હતો અને બંને જુદા થઈ ગયા હતા. ત્યારબાદ બંને વચ્ચે દુશ્મની એટલી બધી ગઈ કે, મુંબઈ, દુબઈ, નેપાળમાં ઘણા લોકોની હત્યાઓ થઈ. દાઉદનો ખાસ છોટા શકીલ આજે પણ છોટા રાજન પર હુમલો કરવા માટે ઘાત લગાવીને બેઠો છે.
ઈન્ડોનેશિયાના બાલી શહેરમાંથી ૨૦૧૫ના ૨૫મી ઓક્ટોબરે છોટા રાજનની ધરપકડ કરવામાં આવી હતી. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવાથી રાજનને ભારત લાવવામાં મુશ્કેલી પડી ન હતી. એવું કહેવાય છે કે, ડી કંપનીના ખતરાના કારણે રાજન પોતે ભારત આવવા માંગતો હતો. તેને ભારત લાવવા પાછળ સીબીઆઈ, ઈન્ટેલિજન્સ યુનિટ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો હાથ હતો. છોટા રાજનને કડક સુરક્ષા વચ્ચે વિશેષ વિમાન દ્વારા ૨૦૧૫ની છઠ્ઠી નવેમ્બરે સવારે દિલ્હીના પાલન એરપોર્ટ લવાયો હતો. રાજને વિમાનમાંથી ઉરતાની સાથે જ ભારતીય જમીનને ચુંબન કર્યું હતું.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
