<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

જીવનાવશ્‍યક ચીજોની મોંઘવારી હાલ સતત વધી રહી છે અને હજી આ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધશે એવા સ્‍પષ્ટ સંકેતો

ચારે તરફ યુધ્‍ધનો માહોલ... દુનિયામાં વધતા યુધ્‍ધના માહોલથી ચીજોની હેરફેરના ભાડામાં તોતિંગ વધારોઃઅલ નીનોની અસર પૂરી થઈ પણ લા નીનાની અસરનો મંડરાતો ભય

નવી દિલ્‍હી તા. ૨૨ : જીવનાવશ્‍યક ચીજોની મોંઘવારી હવે આમબાબત બની રહી છે. કોઈ પણ સમયે કોઈ એક કે બે જીવનાવશ્‍યક ચીજોના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચે એવું હવે વારંવાર બની રહ્યું છે. ભારતમાં ખાદ્ય તેલોના ભાવ ૨૦૨૨-૨૩માં લાંબો સમય આસમાની ઊંચાઈએ હતા, ત્‍યાર બાદ હાલ દાળ-કઠોળના ભાવ આસમાની ઊંચાઈએ છે. ઘઉં-ચોખા સહિતનાં અનાજના ભાવ રશિયા અને યુક્રેન વચ્‍ચે યુદ્ધ શરૂ થયું ત્‍યારે લાંબો સમય વધતા રહ્યા હતા. સરકાર કોઈ પણ પક્ષની હોય, વૈશ્વિક કારણો દિવસે-દિવસે હાવી બનતાં હોવાથી જીવનાવશ્‍યક ચીજોના ભાવ કાબૂમાં રાખવા હવે અશક્‍ય બની ગયું છે, છતાં પ્રજાને આભાસ થાય કે મોંઘવારીને દૂર કરવા સરકાર સક્રિય છે એ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારનાં દેખાવી પગલાં લેવામાં આવે છે, પણ એનાથી પ્રજાને ચીજો સસ્‍તી મળતી થાય એવું અત્‍યાર સુધી ક્‍યારેય બન્‍યું નથી. ઊલટું સરકારી પગલાંને કારણે વેપારીઓ અને ઉત્‍પાદકો દંડાય છે અને સરકારી બાબુઓ સરકારી પગલાંનો ગેરલાભ લઈને વેપારીઓ અને ઉત્‍પાદકોને દંડીને તોતિંગ કમાણી કરતા આવ્‍યા છે. ખેર, જીવનાવશ્‍યક ચીજોની મોંઘવારી હાલ સતત વધી રહી છે અને હજી આ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધશે એવા સ્‍પષ્ટ સંકેતો મળી રહ્યા છે. મોંઘવારીના વધારા માટે બે મહત્ત્વનાં કારણો છે : (૧) યુદ્ધનો માહોલ અને (૨) ગ્‍લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો. આ બન્ને કારણોની અસરે જીવનાવશ્‍યક ચીજોની મોંઘવારી આગામી દિવસોમાં માઝા મૂકશે એવી શક્‍યતા દેખાય છે.

 રશિયા અને યુક્રેન વચ્‍ચે છેલ્લા ૨૬ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અને યુક્રેન બન્ને ઘઉં, મકાઈ, સૂર્યમુખી બિયાં અને સોયાબીનના મોટા ઉત્‍પાદકો છે. આ બન્ને દેશો વચ્‍ચે યુદ્ધ ચાલુ થયું ત્‍યારથી ઘઉંના ભાવ સતત વધી રહ્યા છે. ભારતમાં ચાલુ વર્ષે સરકારે ઘઉંના ભાવ કાબૂમાં લેવા માટે તનતોડ પ્રયાસો કર્યા છતાં પણ ઘઉંના ભાવ સતત વધી રહ્યા છે. હાલ ઘઉંની નવી આવકો પૂરજોશમાં ચાલુ હોવાથી ઘઉંના ભાવ કાબૂમાં છે, પણ ઘઉંની આવકો ઘટ્‍યા બાદ ફરી ભાવ વધવાની સંભાવના છે.

રશિયા અને યુક્રેન વચ્‍ચે તથા ઇઝરાયલ અને હમાસ વચ્‍ચે હાલ યુદ્ધ ચાલુ છે ત્‍યારે ઇઝરાયલ પર પહેલાં ઈરાને હુમલો કર્યો ત્‍યાર બાદ ઇઝરાયલે વળતો હુમલો કર્યો અને ઇઝરાયલ અને ઈરાન વચ્‍ચેના યુદ્ધમાં ટર્કી, સિરિયા સહિતના મુસ્‍લિમ દેશો પણ જોડાયા છે. ઉપરાંત અમેરિકા, યુરોપિયન દેશો, બ્રિટન પણ ઇઝરાયલના સમર્થનમાં ઊતર્યા છે. આગામી દિવસોમાં આ યુદ્ધ વકરે તો સૌથી મોટી અસર ક્રૂડ તેલના ભાવ પર પડશે. ક્રૂડ તેલના ભાવ ૭૦ ડોલર આસપાસ હતા એ વધીને હાલ ૮૫થી ૯૦ ડોલર વચ્‍ચે પહોંચી ગયા છે.

ખાડી દેશોમાં યુદ્ધ વકરશે તો ક્રૂડ તેલના ભાવ ઝડપથી ૧૦૦ ડોલરની સપાટીને કુદાવી જશે. ક્રૂડ તેલના ભાવ વધતાં તમામ ચીજવસ્‍તુઓની હેરફેર મોંઘી થશે. વૈશ્વિક લેવલે ઇસ્‍લામિક આતંકવાદી જૂથને સમર્થન આપવા લાલ સમુદ્રમાં છેલ્લા ત્રણ મહિનાથી તમામ ચીજોની હેરફેરને અટકાવી દેવામાં આવી હોવાથી યુરોપ અને એશિયા વચ્‍ચે ચીજવસ્‍તુઓની હેરફેર અન્‍ય રૂટ મારફત કરવાની નોબત આવી છે.

 ચીજવસ્‍તુઓની હેરફેર માટે વૈકલ્‍પિક રૂટને કારણે સ્‍ટીમરભાડાં ત્રણથી પાંચ ગણા વધી ગયા છે. ઉપરાંત ટ્રાન્‍ઝિટ પિરિયડ પણ બે ગણો વધી ગયો છે. આ તમામ બાબતોની ચીજવસ્‍તુઓના ભાવ પર મોટી અસર પડી રહી છે અને આગામી દિવસોમાં હજી આ અસર જોવા મળશે.

(4:12 PM IST)