<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

મત આપો અને ફ્રીમાં માણો પૌઆ-જલેબી અને આઇસક્રીમ !

ઈન્‍દોરમાં ૭થી ૯ વાગ્‍યાની વચ્‍ચે જે મતદાતાઓ મતદાન કરશે તે સૌને આ નિઃશુલ્‍ક લાભ પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને મફતમાં આઇસક્રીમ પણ મળશે

 

ઈન્‍દોર, તા.૨૪: સમગ્ર દેશમાં લોક સભા ચૂંટણી નો માહોલ જામેળો છે ત્‍યારે મતદારોની સંખ્‍યાની દૃષ્ટિએ સૌથી મોટા એવા મધ્‍યપ્રદેશના ઈન્‍દોર લોકસભા ક્ષેત્રમાં ૧૩ મેના રોજ મતદાન થવાનું છે. હવે અહીંના મતદાતાઓને પોતાના હકનું ભાન લાવવા અને સૌ વોટ આપવા માટે જાગળત થાય તે માટે એક સ્‍વાદિષ્ટ ઓફર આપવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે.

તમને જણાવી દઈએ કે ઈન્‍દોર શહેરની અંદર ખાદ્યવિક્રેતાઓએ નક્કી કર્યું છે કે તેઓ વહેલી તકે મતદાન કરનાર લોકોને પૌઆ, જલેબી, આઈસ્‍ક્રીમ અને અન્‍ય ખાદ્યપદાર્થો મફતમાં પીરસશે. પ્રાપ્ત માહિતી અનુસાર વ્‍યાપારી સંસ્‍થાઓએ મંગળવારે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આશિષ સિંહની અધ્‍યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લીધો હતો. તેઓએ જણાવ્‍યું હતું કે, ‘લોકસભા મતવિસ્‍તારને મતદાનની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ બનાવવા માંગીએ છીએ. આ માટે વ્‍યાપારી સંસ્‍થાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.'

ઈન્‍દોર શહેરમાં પ્રખ્‍યાત ચાટ-ચોપાટી ૫૬ દુકાર્નીંના વેપારી સંગઠનના પ્રમુખ ગુંજન શર્માએ જણાવ્‍યું હતું કે સવારે ૭થી ૯ વાગ્‍યાની વચ્‍ચે જે મતદાતાઓ મતદાન કરશે તે સૌને આ ચાટ-ચોપાટી પર નિઃશુલ્‍ક પૌંઆ, જલેબી આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે એક બીજી પણ શરત મૂકવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન મતદાન કરનારા વરિષ્ઠ નાગરિકો અને તેમના જીવનમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને ચાટ-ચોપાટી પર પૌંઆ અને જલેબી તો ખરા જ પણ સાથે સાથે મફતમાં આઈસ્‍ક્રીમ પણ ખવડાવવામાં આવશે. આ માટે તેઓએ દુકાનદારોને માત્ર તેમની આંગળી પર મતદાન કર્યાની શાહીનું નિશાન બતાવવાનું રહેશે.અધિકારીઓએતો આ મુદ્દે એમ પણ જણાવ્‍યું હતું કે શહેરમાં કેટલીક અન્‍ય વ્‍યાપારી સંસ્‍થાઓએ સવારના સમયે ૭થી ૯ વાગ્‍યાની અંદર મતદાન કરી આવનાર લોકોને મફતમાં નૂડલ્‍સ અને મંચુરિયન જેવી વાનગીઓ પીરસવાની ઓફર કરી છે. ૨૦૧૯માં છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન ઇન્‍દોર લોકસભા ક્ષેત્રમાં ૬૯ ટકા મતદાન નોંધાયું હતું. આ લોકસભા ક્ષેત્રમાં ૨૫.૧૩ લાખ મતદારો છે.

(4:32 PM IST)