<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

દિલ્‍હી-એનસીઆરમાં વરસાદઃ પુર્વીય ભારતમાં લુનું એલર્ટ

દેશમાં હવામાનનો અલગ-અલગ મિજાજ :અરૂણાચલમાં કયાંક-કયાંક વરસાદની સંભાવનાઃ મધ્‍યપ્રદેશમાં ગરમીનો પારો ઝડપથી વધી રહયો છે

 

નવી દિલ્‍હી, તા., ૨૪: દેશમાં હવામાન અલગ-અલગ રૂપ દર્શાવે છે. જોરદાર વરસાદ માટે પ્રખ્‍યાત પુર્વોત્તર રાજયોમાં ભીષણ લુ નું અનુમાન છે. જયારે ધગધગતા ગરમ પ્રદેશ દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારોમાં વરસાદથી ઠંડક છવાઇ છે. આજે દેશના મોટા ભાગના વિસ્‍તારોમાં પારો ઉપર ચડનાર છે.

યુપીના પુર્વના ભાગો, બિહાર, ઓડીશા અને ઝારખંડમાં હીટ વેવની સ્‍થિતિ છે. જે ધીમે ધીમે વધી રહી છે. હવામાન વિભાગ મુજબ એક અઠવાડીયામાં દિલ્‍હીના આસપાસના વિસ્‍તારોમાં લુની શકયતા નથી. બુધવારથી એક અઠવાડીયુ વાતાવરણ ગરમ રહી શકે છે તથા પારો ૪૦ ડીગ્રીને પાર કરી શકે છે.

જયારે પુર્વી ભારતના ભાગોમાં પાંચ દિ' ભીષણ લુ નું એલર્ટ આપવામાં આવ્‍યું છે. અરૂણાચલમાં કયાંક વરસાદની સ્‍થિતિ બની છે. બંગાળ, ઓડીશા, ઝારખંડ બિહાર તથા છત્તીસગઢના કેટલાક ભાગોમાં અઠવાડીયાથી લુની સ્‍થિતિ બનેલી છે. શુષ્‍ક હવામાનથી લોકોની પરેશાની વધી રહી છે.

ચુંટણીના માહોલ વચ્‍ચે એનસીઆરમાં રીમઝીમ વરસાદ પડી રહયો છે. અહી શુક્રવારે મતદાન યોજાવાનું છે. જયારે મધ્‍યપ્રદેશના મોટા ભાગના વિસ્‍તારોમાં તાપમાન ઝડપથી વધી રહયું છે. આ મહિનામાં લુ ની સ્‍થિતિ લાંબા સમય સુધી બની રહેશે. હવામાન વિભાગ મુજબ લુ ની અવધી આઠ દિવસની પણ હોઇ શકે છે. જુનમાં સામાન્‍ય રીતે ૪ દિવસ લુ રહે છે. પણ આ વખતે ત્રણ અઠવાડીયા સુધી લુ ની સ્‍થિતી બની રહેવાની શકયતા દર્શાવી છે.

(4:33 PM IST)