તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
મારી માનું મંગળસૂત્ર દેશને કુર્બાન થયુ : દાદીએ યુધ્ધમાં સોનુ આપ્યું
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળસૂત્રવાળા પીએમ મોદીના વાર પર પલટવાર કર્યો

બેંગ્લુરૂ તા. ૨૪ : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને તેમના મંગળસૂત્રવાળા નિવેદન પર જવાબ આપ્યો છે. કર્ણાટકના બેંગ્લુરૂમાં એક જનસભાને સંબોધિત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારી માનું મંગળસૂત્ર (રાજીવ ગાંધીની હત્યા) આ દેશને કુર્બાન થયું છે. દેશની આઝાદી બાદથી ૫૫ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી તેમ છતાં પણ ક્યારેય પણ કોઈનું સોનું, મંગળસૂત્ર ઝૂંટવી લેવાયું નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે છેલ્લા ૨ દિવસથી કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તમારું મંગળસૂત્ર અને તમારૂં સોનું તમારી પાસેથી છીનવી લેવા માંગે છે. દેશને આઝાદ થયાને ૭૦ વર્ષ થયા છે અને ૫૫ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર સત્તામાં હતી. કોઈએ તારું સોનું, મંગળસૂત્ર ઝૂંટવી લીધું? યુદ્ધ દરમિયાન ઈન્દિરા ગાંધીએ દેશને પોતાનું સોનું આપ્યું હતું. આ દેશ માટે મારી માતાનું મંગળસૂત્ર બલિદાન આપવામાં આવ્યું.
યુપીના અલીગઢ અને હાથરસમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ એવું કહ્યું હતું કે દેશની સંપત્તિને લૂંટવાનો પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનનારી કોંગ્રેસની નજર હવે મહિલાઓના મંગળસૂત્ર પર છે. કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધનની નજર હવે તમારી કમાણી અને તમારી સંપત્તિ પર છે. કોંગ્રેસના રાજકુમાર (રાહુલ ગાંધી)નું કહેવું છે કે જો તેમની સરકાર આવશે તો કોણ કેટલું કમાય છે, કોની પાસે કેટલી સંપત્તિ છે, પૈસા છે, ઘર છે તેની તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં, સરકાર આ મિલકતોનો કબજો લઈને દરેકને વહેંચશે. આ જ તેમનો મેનિફેસ્ટો કહી રહ્યો છે. આપણી માતાઓ અને બહેનો પાસે સોનું છે. તેની નજર મંગળસૂત્ર પર પણ છે.
આ પહેલા ચિત્રદુર્ગમાં પ્રિયંકા ગાંધીએ એવું કહ્યું હતું કે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતાનો ત્યાગ કર્યો છે, તે લોકોની સામે ઢોંગ કરે છે અને સત્યના માર્ગ પર ચાલતો નથી. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષનો અવાજ દબાવીને, તેમના બેંક ખાતાઓને ફ્રીઝ કરીને અને બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખીને વિપક્ષને નબળો પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
