તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 1st May 2024
કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડોઃઘર વપરાશનો ભાવ યથાવત
સામાન્ય ચૂંટણીઓ વચ્ચે મોંઘવારીથી રાહતઃદિલ્હીમાં ૧૯ કિલોના સિલિન્ડરની કિંમતમાં ૧૯ રૂપિયાનો ઘટાડો : કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સતત બીજા મહિને સસ્તું થયું છેઃ કિંમત હવે ૧૭૪૫.૫૦ રૂપિયા

નવી દિલ્હી,તા. ૧: સામાન્ય ચૂંટણીઓ વચ્ચે સરકારે લોકોને મોંઘવારીમાંથી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં તેની કિંમત હવે ૧૭૪૫.૫૦ રૂપિયા છે. પહેલા તે ૧૭૬૪.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ હતું. આ રીતે તેની કિંમતમાં ૧૯ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ ૧ એપ્રિલે તે ૩૦.૫૦ રૂપિયા સસ્તું થયું હતું. હવે ૧૯ કિલોનો સિલિન્ડર કોલકાતામાં ૧૮૫૯ રૂપિયા, મુંબઈમાં ૧૬૯૮.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૯૧૧.૦૦ રૂપિયામાં મળશે. ઘટાડેલી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. ૧૯ કિલોના સિલિન્ડરને હલવાઈ સિલિન્ડર પણ કહેવામાં આવે છે. તેના ભાવ ઘટાડાથી ખાવા-પીવાનું સસ્તું થવાની ધારણા છે. જોકે, ઘરોમાં વપરાતા ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય ગ્રાહકો માટે દિલ્હીમાં તેની કિંમત ૮૦૩ રૂપિયા છે, જયારે ઉજ્જવલા લાભાર્થીઓ માટે તેની કિંમત ૬૦૩ રૂપિયા છે.
અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં સતત બે મહિના સુધી ૧૯ કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧ માર્ચે તેની કિંમત ૧૭૬૯.૫૦ રૂપિયાથી વધારીને ૧૭૯૫ રૂપિયા કરી દીધી હતી. ૧ ફેબ્રુઆરીએ તેમાં ૧૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જયારે ૧ જાન્યુઆરીએ તેની કિંમતમાં ૧.૫૦ રૂપિયાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧૯ કિલોગ્રામના સિલિન્ડરની સાથે એરક્રાફટમાં વપરાતા એટીએફ એટલે કે ઈંધણની કિંમતમાં પણ આજથી ફેરફાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં આજે શરૂઆતી કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઼૦.૫૪ ઘટીને ઼૮૭.૮૬ પર છે. બીજી તરફ, WTI ક્રૂડ ૦.૬૮ ડોલરના ઘટાડા સાથે ઼૮૧.૨૫ પર ટ્રેડ કરી રહ્યું છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
