<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

ભારતના ગેરકાયદે ઇમીગ્રન્‍ટસને વતનને બદલે રવાન્‍ડા મોકલશે બ્રીટનઃ જાણો કારણ

 

નવી દિલ્‍હી,તા. ૧: યુકેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સની સમસ્‍યા ઘણી જૂની છે, જો આપણે છેલ્લા ચાર વર્ષ પર નજર કરીએ તો ૨૦૨૦ થી અત્‍યાર સુધીમાં અંદાજે ૧ લાખ ૨૦ હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સ યુકેમાં પ્રવેશ્‍યા છે. આ ઇમિગ્રન્‍ટ્‍સનો બોજ ઘટાડવા માટે સુનાક સરકાર એક નવું બિલ લાવી છે.

યુકે સરકારે રવાન્‍ડા બિલ પાસ કરી દીધું છે, થોડા દિવસોમાં જ તે કાયદો બની જશે. આ સેફટી ઓફ રવાન્‍ડા બિલ કાયદો બન્‍યા પછી, યુનાઇટેડ કિંગડમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર દરેક ઇમિગ્રન્‍ટને રવાન્‍ડા મોકલી આપવામાં આવશે. આ માટે યુકે સરકાર અને આફ્રિકન દેશ રવાન્‍ડા વચ્‍ચે એક કરાર થઈ ચુક્‍યો છે.

રવાન્‍ડા બિલના વિરોધ બાદ યુકેના વડાપ્રધાન ઋષિ સુનાકની સરકારે સેફટી ઓફ રવાન્‍ડા બિલ તૈયાર કર્યું હતું. આ પહેલા પૂર્વ પીએમ બોરિસ જોનસને સૌથી પહેલા રવાન્‍ડા બિલ સંસદમાં રજૂ કર્યું હતું, જેનો વિરોધ કરવામાં આવ્‍યો હતો અને યુકેની સુપ્રીમ કોર્ટે પણ તેને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. એવું માનવામાં આવ્‍યું હતું કે આ યોજના યુરોપિયન કન્‍વેન્‍શન ECHR વિરુદ્ધ હતી. હવે સેફટી ઓફ રવાન્‍ડા બિલ પાસ થયા બાદ એ નક્કી થઈ જશે કે જે પણ યુકેમાં ખોટી રીતે પ્રવેશ કરશે તે રહી શકશે નહીં.

એવું માનવામાં આવે છે કે યુકે જે ૫૨ હજાર ઇમિગ્રન્‍ટ્‍સને રવાન્‍ડા મોકલશે તેમાંથી ૫ હજાર ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સ જેઓ ત્‍યાં રહે છે, તે તમામને રવાન્‍ડામાં શિફટ કરવામાં આવશે. આમાંના મોટાભાગના ભારતીયો એવા છે કે જેઓ ૨૦૨૩માંપોતાનો જીવ જોખમમાં મુકીને ઈંગ્‍લિશ ચેનલ પાર કરીને મૂકીને યુકે પહોંચ્‍યા હતા. એકલા તેમની સંખ્‍યા ૧ હજારથી વધુ હોવાનું કહેવાય છે. જો કે, રવાન્‍ડા મોકલવામાં આવ્‍યા પછી, આ ઇમિગ્રન્‍ટ્‍સ યુકેમાં શરણાર્થી બનવા માટે અરજી કરી શકશે. જો તેમની અરજી સ્‍વીકારવામાં આવશે તો તેમને યુકે પરત બોલાવવામાં આવશે. જો આવું નહીં થાય તો ઇમિગ્રન્‍ટ્‍સને તેમના મૂળ દેશમાં પાછા જવા અથવા રવાન્‍ડામાં રહેવાની તક આપવામાં આવશે.

(2:06 PM IST)