News of Monday, 6th May 2024
ખરેખર મનુષ્ય ૧૨૦ થી ૧૩૦ વર્ષ સુધી જીવશે?
ચીનના વૈજ્ઞાનિકોએ લોહીમાં એક તત્વ શોધી કાઢયું છે જે વધતી ઉંમરને રોકવામાં મદદરૂપ છે જો આ તત્વો મનુષ્યને એક ચોક્કસ ઉંમરે આપવામાં આવે તો લાંબુ જીવન જીવી શકશે

બીજીંગ,તા. ૬: દરેક મનુષ્ય લાબું જીવન જીવવાની ઈચ્છા રાખતો હોય છે અને પોતાને ફિટ રાખવા માટે તમામ પ્રયત્નો કરતા હોય છે. પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અમર થઈને કોઈ આવ્યું નથી. બધાએ એકના એક દિવસે આ દુનિયામાંથી વિદાય લેવી જ પડે છે. પરંતુ જો એવું થાય કે માનવી હવે ૧૩૦ વર્ષ સુધી જીવી શકશે તો.. જી હા સાચું સાંભળ્યું તમે ,આ કોઈ કલ્પના માત્ર નથી, પણ તેને વૈજ્ઞાનિક રીતે સાબિત પણ કરવામાં આવ્યું છે. વાત એમ છે કે ચીનના વૈજ્ઞાનિકોને લોહીમાં એક એવું તત્વ મળી આવ્યું છે જે વધતી ઉંમરને રોકવામાં મદદરૂપ છે. એવો દાવો કરવામાં આવે છે કે જો આ તત્વ મનુષ્યને ચોક્કસ ઉંમરે આપવામાં આવે તો તે લાંબુ જીવન જીવી શકશે.
નેચર એજિંગ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ચીનના વૈજ્ઞાનિકોએ આ સંશોધન નર ઉંદરો પર કર્યું હતું જે સરેરાશ ૮૪૦ દિવસ જીવે છે. ઉંદર જયારે ૨૦ મહિનાના હતા ત્યારથી તેને દર અઠવાડિયે આ તત્વ ધરાવતું ઇન્જેક્શન આપવામાં આવતું હતું. ધીમે ધીમે ઉંદરોની ઉંમર ઓછી દેખાવા લાગી અને તેમની વૃદ્ધાવસ્થા બંધ થઈ ગઈ સાથે સાથે કામ કરવાની ક્ષમતા વધી ગઈ હતી. એટલું જ નહીં તેની લાઈફમાં ૨૨.૭ ટકાનો વધારો નોંધાયો હતો, જે એક રેકોર્ડ છે.
સંશોધન ટીમના સભ્ય ઝાંગ ચેન્યુએ કહ્યું કે, અમે એ જોઈને રોમાંચિત છીએ કે આ ઈન્જેક્શન આપનારા ઉંદરોમાંથી ઘણા ૧૨૬૬ દિવસ સુધી જીવિત રહ્યા. તમે વિચારી શકો છો કે જે ઉંદર ૮૪૦ દિવસથી વધુ જીવિત ન રહી શક્યો તે ૧,૨૬૬ દિવસ જીવ્યો. જો આપણે માનવીની ઉંમરની હિસાબથી જોઈએ તો ઈન્જેક્શન લેવાથી તેમની ઉંમર ૧૨૦ થી ૧૩૦ ધીવર્ષ સુધી વ શકે છે. ઝાંગ ચેન્યુએ કહ્યું કે, જો તેનું ઈન્જેક્શન તૈયાર કરવામાં આવે અને તેને મનુષ્યોને આપવાની પરમિશન આપવામાં આવે તો માનવીનું આયુષ્ય વધશે અને દરેક વ્યક્તિ માટે ૧૦૦ વર્ષથી વધુ જીવન જીવવું શક્ય બનશે.
વૈજ્ઞાનિકોના મતે આ તત્વને દવાઓ દ્વારા આપી શકાય છે. જેના માટે લોહી બદલવાની જરૂર નહીં પડે. આની સારવાર એકદમ સરળ હશે. સંશોધનના લેખક, ચેન શીએ કહ્યું - અમે સ્પષ્ટપણે જોયું કે આ કામ કરી રહ્યું છે. આ સૌથી શક્તિશાળી વૃદ્ધત્વને રોકવા માટેનું તત્વ છે જે અમને મળ્યું છે. તે આપણા લોહીમાં કામ કરી શકે છે. ચેન શીએ જણાવ્યું કે આ સંશોધન સાત વર્ષ સુધી ચાલ્યું છે અને સેંકડો ઉંદરો પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો તેના પરથી જ આ સંશોધનને વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
