તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 6th May 2024
કાલે મતપર્વ રંગેચંગે ઉજવવા ગુજરાત સજ્જ
કાલે લોકસભાની ૨૫ તો વિધાનસભાની ૫ બેઠકોની પેટાચૂંટણી માટે યોજાશે મતદાન : સવારે ૭ થી સાંજે ૬ સુધીનો સમય : લોકસભાની બેઠક માટે ૨૬૬ તો પેટાચૂંટણી માટે ૨૪ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશેઃ કાલે મોદી-શાહ-આનંદીબેન અમદાવાદમાં કરશે મતદાનઃ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણઃ ગરમી ‘વિલન' બને તેમ હોવાથી રાજકીય પક્ષો ચિંતામાં: વ્હેલુ મતદાન કરાવવા દોડધામ

નવી દિલ્હી, તા.૬: લોકસભાની સાત તબક્કે યોજાઇ રહેલી ચૂંટણી પૈકીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે. મતદાન પર્વ રંગેચંગે મનાવવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગુજરાતની લોકસભાની ૨૬ પૈકી ૨૫ બેઠકો તથા વિધાનસભાની ૫ બેઠકોની ચૂંટણી માટે કાલે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન થશે. કાળઝાળ ગરમીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી સૌ કોઇ વ્હેલુ મતદાન કરાવવા અપીલ કરી રહ્યા છે. લોકસભાની ૨૫ બેઠકો માટે ૬૬ તો પેટાચૂંટણી માટે ૨૪ ઉમેદવારો મેદાનમાં છે. સાડાચાર કરોડથી વધારે મતદારો આ ઉમેદવારોનું ભાવિ ઘડશે. દરમ્યાન વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ અને યુપીના રાજયપાલ આવતીકાલે અમદાવાદમાં મતદાન કરી રહ્યા હોય શહેરમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાત વડાપ્રધાન અને ગૃહમંત્રીનું ‘ઘર' હોઇ ભાજપે તમામ બેઠકો જીતવા પૂરેપૂરી તાકાત કામે લગાડી છે. ગઇકાલે સાંજે જાહેર પ્રચાર બંધ થયા બાદ આજે ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવી રહ્યા છે. આજે કતલની રાત રહેવાની છે. રાજકીય
પક્ષો આજે છેલ્લી ઘટીની રણનીતિ તૈયારી કરી મતદારોને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરશે. રાજયમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્વક મતદાન થાય તે માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. કેન્દ્રિય દળો-ચૂંટણી સ્ટાફ મત કેન્દ્રોમાં પહોંચી ગયા છે.
આવતીકાલે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી નું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં ગુજરાતની ૨૫ બેઠકો પર મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે અમદાવાદ ખાતે મતદાન કરશે. રાણીપની નિશાન સ્કુલ ખાતે મોદી સવારે ૭.૩૦ વાગ્યે મતદાન કરશે. મતદાનને લઈને ચૂંટણી પંચ દ્રારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ સેન્ટરો પર ઈવીએમ, વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે. ડિસ્પેચ સેન્ટરો પરથી આજે વહેલી સવારથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે.
લોકસભા ચૂંટણી ના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે ૭ મેના રોજ થશે, જ્યારે ૧૧ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૩ બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૨૫ બેઠકો પર મતદાન થવાનું છે, સાથે જ વિધાનસભાની પણ ૫ બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૭ મેના રોજ અમદાવાદના રાણીપમાં નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે.
મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે મોડી રાતે ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાત્રે ૯ વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી ૭:૩૦ વાગે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્તારના મતદાર છે, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો ભાગ છે. ગાંધીનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ છે.
મહત્ત્વનું છે કે કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આવતીકાલે મતદાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદબેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ નારણપુરામાં મતદાન કરશે.
દેશમાં પહેલાથી જ લોકસભાની ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે, ત્રીજા તબક્કામાં સમગ્ર ગુજરાતમાં એક બેઠક સિવાય તમામ બેઠકો પર મતદાન થશે, જેમાં વડાપ્રધાન તેમના સંસદીય મતવિસ્તારમાં લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેશે. મતદાનને લઈને ચૂંટણી પંચ વોટિંગ માટેની તૈયારી કરી રહ્યું છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લાકક્ષાએ સેન્ટરો પર EVM ડિસ્પેચની કામગીરી શરૂ કરાઈ હતી. તમામ સેન્ટરો પર ઈવીએમ, વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે. ડિસ્પેચ સેન્ટરો પરથી આજે વહેલી સવારથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. ગણતરીના કલાકોમાં મતદાન થનાર છે ત્યારે સવાલ એ છેકે, આ વખતની ચૂંટણીમાં કયો મુદ્દો ચાલશે? તો એનો સીધો સીધો જવાબ છે રાજકારણમાં સમાજકારણ. જીહાં, ચૂંટણી નજીક આવતા રાજનેતાઓને આખરે તો સમાજની જરૂર પડી. એટલે જ વિવિધ પક્ષના નેતાઓ ધાર્મિક કાર્યક્રમોનું બહાનું કાઢીને સંતો-મહંતોને બોલાવીને સમાજની સામે મોટા ભા થવાનો અને પોતાના પક્ષમાં લોકો મતદાન કરે તેવી અપીલો કરતા નજરે પડે છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની કુલ ૮ લોકસભા બેઠક માટે તા.૭ને મંગળવારે મતદાન થશે. ચૂંટણીમાં ઉમેદવારની જ્ઞાતિ નેતાઓ માટે અને ટિકીટ આપતી વખતે મોવડી મંડળ માટે મહત્વની રહી છે અને તે જાણતા અજાણતા ચોક્કસ બેઠક પર ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારો મેદાનમાં ઉતારાતા રહ્યા છે ત્યારે આ વખતે ઉમેદવારના પક્ષ, ઈમેજ વગેરે સાથે જો જ્ઞાતિનું પરિબળ અસરકારક બની શકે તો તે ખાસ કરીને રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર એ ચાર બેઠક પર ૬ તેની સંભાવના જણાઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છની આ ચૂંટણીની વિશેષતા એ છે કે આ વખતે કોંગ્રેસના મતમાં આમ આદમી પાર્ટી ભાગલા પડાવશે નહીં. બન્ને વચ્ચે ગઠબંધન થયું છે. જે અન્વયે એકમાત્ર ભાવનગર બેઠક ઉપર ભાજપ સામે આમ પાર્ટીના ઉમેદવાર છે અને બન્ને કોળી જ્ઞાતિના છે. બાકીની તમામ સીટ ઉપર આ વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ઉલ્લેખનીય છે કે ગત ધારાસભા ચૂંટણીમાં રાજકોટ સંસદીય બેઠકની ૭ લોકસભા સીટ પૈકી ૪ ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત મતો ભાજપના કરતા વધારે હતા પરંતુ, મતોના વિભાજનથી ભાજપને તમામ બેઠકો પર જીત મળી હતી.
રાજકોટ બેઠક ઉપર ભાજપના પરસોતમ રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે સામે કોંગ્રેસના પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. જ્યારે જામનગરમાં ભાજપના ઉમેદવાર જે સતત ત્રીજી વખત ચૂંટણી લડે છે તે પુનમબેન માડમ આહિર જ્ઞાતિના અને સામે કોંગ્રેસના આ વખતે ઉમેદવાર જે.પી.મારવિયા લેઉઆ પાટીદાર સમાજના છે અને તે કારણે તેને ખોડલધામના ચેરમેને કોંગ્રેસનો આભાર માન્યો હતો. જુનાગઢમાં ભાજપના ઉમેદવાર કોળી જ્ઞાતિમાંથી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર આહિર જ્ઞાતિના છે. સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચુંવાળીયા કોળી જ્ઞાતિના છે અને તે મુદ્દે શરુઆતમાં તળપદાં જ્ઞાતિને અન્યાય થયાની વાત કરાઈ હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તળપદા કોળી સમાજમાંથી આવે છે.
ઉલ્લેખનીય છે કે ખુદ ભાજપના પ્રચારનો કાર્યક્રમ જાહેર થતો તેમાં વિવિધ જ્ઞાતિ સમાજના સંમેલનોમાં હાજરી આપશે તેવા કાર્યક્રમો જ મુખ્ય હતા. ઉપરાંત વિવિધ સમાજોના આસ્થા કેન્દ્રોએ દર્શન કરવાનું પણ દરેક પક્ષના ઉમેદવારો ચૂંકતા નથી. પરંતુ, બીજી તરફ એ પણ હકીકત છે કે રાજકોટમાં એક સમયે મીનુ મસાણી જેવા પારસી અને ઉછરંગરાય ઢેબર જેવા નાગર બ્રાહ્મણ પણ સાંસદ તરીકે ચૂંટાયા છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
