<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

કંપનીઓએ ૧૫૩૬ કાયદાઓ અને નિયમોનું પાલન કરવાનું: કુલ ૬૯,૨૩૩ પ્રકારનાં અનુપાલન કરવાનાં: વર્ષે ૬૬૧૮ ફાઇલિંગ્સ કરવા પડે

ભારતમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કહેવા માટે : સરકાર ભલે ગમે એ નક્કી કરે, પરંતુ એનો અમલ આખરે અમલદારોના હાથમાં હોય છે અને હકીકત એવું કહે છે કે સરકારી તંત્ર હમેંશા હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવું હોય છે

 

નવી દિલ્હી,તા.૬: ભારતમાં જેઓ વેપાર-ધંધા કરે છે તેમને જ ખબર છે કે આ કામ કેટલું સહેલું છે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકારે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અર્થાત્ વેપાર-ધંધા કરવામાં સરળતા વધારવાની પ્રક્રિયા શરૂ કરી છે. આમ છતાં વાસ્તવિકતા કંઈક જુદી જ છે. સરકાર ભલે ગમે એ નક્કી કરે, પરંતુ એનો અમલ આખરે અમલદારોના હાથમાં હોય છે અને હકીકત એવું કહે છે કે સરકારી તંત્ર હંમેશાં હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવું હોય છે.  વડા પ્રધાને ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ પર ખરેખર ઘણો ભાર આપ્યો છે, પરંતુ ટીમલીઝ રેગટેક નામની પુણેની કંપનીએ હાલમાં પ્રગટ કરેલું સંશોધનપત્ર કંઈક જુદી જ પરિસ્થિતિ દર્શાવે છે. આ એક કમ્પ્લાયન્સ મેનેજમેન્ટ સોફટવેર કંપની છે જે નિયમનકારી અનુપાલનમાં સહાય કરે છે.

સંશોધનપત્રમાં જણાવાયા મુજબ બિઝનેસ કરનારી કંપનીઓએ ૧૫૩૬ કાયદાઓ અને નિયમોનું પાલન કરવાનું હોય છે. કુલ મળીને ૬૯,૨૩૩ પ્રકારનાં અનુપાલન કરવાનાં હોય છે અને વર્ષે ૬૬૧૮ ફાઇલિંગ્સ કરવાનાં હોય છે. જોકે અહીં જણાવવું રહ્યું કે દરેક કંપનીએ આટલાં બધાં અનુપાલન એટલે કે કમ્પ્લાયન્સ કરવાનાં નથી હોતાં. બિઝનેસનું સ્વરૂપ, બિઝનેસનું સ્થળ, એનો વ્યાપ અને કર્મચારીઓની સંખ્યા એ બધાં પરિબળોને આધારે અનુપાલનોની સંખ્યા વધતી-ઓછી થતી હોય છે. ટીમલીઝના સંશોધનપત્રમાં જણાવાયું છે કે કોર્પોરેટ્સ માટે મોટા ભાગનાં કમ્પ્લાયન્સ તેમના કર્મચારીઓને લગતાં હોય છે. કોર્પોરેટ્સે કર્મચારીઓ સંબંધે કાયદાઓ અને નિયમોની સંખ્યાની દૃષ્ટિએ ૩૦.૧ ટકા, કમ્પ્લાયન્સની સંખ્યાની દૃષ્ટિએ ૪૭ ટકા, ફાઇલિંગ્સની સંખ્યાની દૃષ્ટિએ ૪૬ ટકા અનુપાલન કરવાનાં હોય છે. એમણે જેટલાં કમ્પ્લાયન્સ કરવાનાં હોય છે એમાંથી ૬૮ ટકા કમ્પ્લાયન્સ એવા છે જેમાં ચૂક થઈ જાય તો કેદની સજા થવાની જોગવાઈ છે.

સરકારે અનુપાલન સંબંધે સુધારા લાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ વાસ્તવિક જીવનમાં એનો હજી અમલ થયો નથી. સરકારે શ્રમસંબંધી ચાર કાયદાઓ ઘડ્યા છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા એનો અમલ કરવામાં આવ્યો નથી. કેટલાંક રાજયો આ સુધારાઓ લાવવામાં સહકાર આપતાં નથી. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે નવી સરકારે બીજાં બધાં કામ બાજુએ મૂકીને સૌથી પહેલાં શ્રમસંબંધી સુધારાઓ અમલી બનાવવાની જરૂર છે. નિયમોનું અનુપાલન સહેલું કરવું એટલે માત્ર એની સંખ્યા ઘટાડવી એવું નથી. અનુપાલનની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી હોવી જોઈએ એટલું જ નહીં, એની પાછળ થતો ખર્ચ પણ ઓછો હોવો જોઈએ. આજની તારીખે એવા કાયદાઓ અને ધારા-ધોરણો છે કે જેમાં આંકડાઓની માયાજાળ રચાઈ જાય છે. કર્મચારીઓ સંબંધિત અનુપાલનો માટે કોર્પોરેટ્સને મદદ કરનારા કન્સલ્ટન્ટ્સે મોટી સંખ્યામાં સ્પ્રેડશીટ્સ બનાવવી પડે છે અને શેર કરવી પડે છે.

ભારત અને ડિજિટલાઇઝેશન હવે એકબીજાના પર્યાય બની ગયા હોય એવી સામાન્ય સમજ છે છતાં કહેવું પડે કે અનુપાલનની પ્રક્રિયામાં હજી સુધી મર્યાદિત પ્રમાણમાં જ ડિજિટલાઇઝેશન આવ્યું છે, એને હજી ઘણું વધારવાની જરૂર છે. અનુપાલનનું કાર્ય જયારે મહત્ત્।મ પ્રમાણમાં ઓટોમેશન હેઠળ આવી જશે ત્યારે કહી શકાશે કે ખરા અર્થમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ થયો છે. અનુપાલનનો ખર્ચ ઘટાડવા માટે ઓટોમેશન ખૂબ જ આવશ્યક છે.

ટીમલીઝ રેગટેકનું કહેવું છે કે શ્રમસંબંધી કાયદાઓમાં હજી પણ ઘણી બધી વસ્તુઓ નિરર્થક છે તથા એકનું એક અનુપાલન અલગ અલગ રીતે કરાવવામાં આવે છે. ટીમલીઝ રેગટેકનું સૂચન છે કે કંપનીઓએ અને સરકારે ટેકનોલોજીનો મહત્ત્।મ ઉપયોગ કરીને ડેટાનું આદાનપ્રદાન સરળતાથી કરાવવા પર લક્ષ આપવાની જરૂર છે. એના માટે ઓપન એપ્લિકેશન પ્રોટોકોલ ઇન્ટરફેસ (API)ને ઉપયોગમાં લેવાવી જોઈએ. આવી વ્યવસ્થામાં નિયમનકારો અનુપાલનને લગતા ફેરફારોની જાણ ઝડપથી કરી શકે છે અને કોર્પોરેટ્સ એનું ઝડપી અનુપાલન કરી શકે છે. વિવિધ પ્રકારનાં ફાઇલિંગ્સ માટે રેગટેક કંપનીઓની મદદ લઈ શકાય છે. એનો ફાયદો એ થાય છે કે કાગળ સ્વરૂપે દસ્તાવેજો સુપરત કરવાની જરૂર પડતી નથી. વળી અનુપાલનમાં કયાંય ત્રુટિ રહી ગઈ હોય તો તરત જ ધ્યાનમાં આવી જાય છે.

૧૫૩૬ બિઝનેસ કરનારી કંપનીઓએ આટલા કાયદા અને નિયમોનું પાલન કરવાનું  હોય છે. ૬૯,૨૩૩ બિઝનેસ કરનારી કંપનીએ આટલા પ્રકારનું અનુપાલન કરવાનાં હોય છે. ૬૬૧૮ બિઝનેસ કરનારી કંપનીઓ વર્ષે આટલાં ફાઇલિંગ્સ કરવાનાં હોય છે.

(12:02 PM IST)