તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા
Paytmમાં દરેક શેરદીઠ રૂ.૧,૮૦૦થી વધુનું નુકસાન
BSE પર કંપનીનો શેર પાંચ ટકા ઘટીને રૂ. ૩૩૪.૧૫ થયો હતોઃ ઈશ્યૂ કિંમત ૨,૧૫૦ રૂપિયા હતી

નવી દિલ્હી,તા. ૮: દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની Paytmના પેરેન્ટ કંપની One 97 Communications Ltd ના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. નોઈડા સ્થિત આ કંપનીનો શેર મંગળવારે પાંચ ટકાના ઘટાડા સાથે લોઅર સર્કિટને સ્પર્શ્યો હતો. અગાઉ સોમવારે પણ તે લોઅર સર્કિટને સ્પર્શ્યું હતું. આ સાથે જ કંપનીનું માર્કેટ કેપ ઘટીને ૨.૫ બિલિયન ડોલર થઈ ગયું છે જયારે ૨૦૨૧માં IPOના સમયે કંપનીનું મૂલ્ય ૨૦ બિલિયન ડોલર હતું.
BSE પર કંપનીનો શેર પાંચ ટકા ઘટીને રૂ. ૩૩૪.૧૫ થયો હતો. તેની ૫૨ સપ્તાહની નીચી સપાટી રૂ. ૩૧૮.૩૫ છે, જે આ વર્ષે ૧૮ ફેબ્રુઆરીએ પહોંચી હતી. કંપનીના સીઓઓ અને પ્રમુખ ભાવેશ ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. કંપનીએ શનિવારે આની જાહેરાત કરી હતી.
વર્ષ ૨૦૨૧માં Paytmનો રૂ. ૧૮,૩૦૦ કરોડનો IPO આવ્યો હતો, તેની ઈશ્યૂ કિંમત ૨,૧૫૦ રૂપિયા હતી. પરંતુ લિસ્ટિંગ પછી તરત જ, કંપનીનું માર્કેટ કેપ ઘટીને ૧૩ બિલિયન ડોલર થઈ ગયું, જે તેના છેલ્લા પ્રાઈવેટ માર્કેટ વેલ્યુએશન ૧૬ બિલિયન ડોલર કરતાં ઓછું હતું. કંપનીના IPOમાં નાણાંનું રોકાણ કરનારાઓને શેર દીઠ રૂ. ૧,૮૦૦થી વધુનું નુકસાન થયું છે.
તાજેતરમાં RBIએ પેટીએમ પેમેન્ટ બેંકની સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, MD અને CEO સુરિન્દર ચાવલાએ પેમેન્ટ બેંકમાંથી રાજીનામું આપી દીધું હતું. શનિવારે, કંપનીએ લીડરશિપ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. કંપનીના વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ મનીના CEO વરુણ શ્રીધરની જગ્યા હવે રાકેશ સિંહને સોંપવામાં આવી છે. રાકેશ સિંઘ PayUના ઇન્વેસ્ટમેન્ટ કંપની Fisdomના બ્રોકિંગ સર્વિસીસના હેડ રહી ચુક્યા છે.
Paytm નો IPO ૮ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. તેની ઈશ્યૂ કિંમત ૨,૧૫૦ રૂપિયા હતી. જેમાં મોટી સંખ્યામાં રિટેલ રોકાણકારોએ ભાગ લીધો હતો. પરંતુ આ શેર તેની ઈશ્યુ કિંમતની નજીક ક્યારેય પહોંચી શક્યો નથી. કંપનીના શેર ૯.૩૦% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા હતા અને પછી ૨૭%રથી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા. આનો અર્થ એ થયો કે લિસ્ટિંગ પર મજબૂત કમાણીની અપેક્ષા રાખનારા રોકાણકારો ખૂબ જ નિરાશ થયા હતા. પરંતુ તે પછી પણ શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો.
Paytm કંપનીના શેરની ૫૨ સપ્તાહની ઊંચી સપાટી ૯૯૮.૩૦ રૂપિયા છે, ગયા વર્ષે ૨૦ ઓક્ટોબરે તે આ સ્તરે પહોંચી ગયું હતું. સોમવારે તે રૂ. ૩૫૧.૭૦ પર બંધ થયો હતો અને મંગળવારે રૂ. ૩૫૦.૯૫ પર ખુલ્યો હતો. પછી આ શેર લોઅર સર્કિટમાં આવી ગયો અને તે ઘટીને રૂ. ૩૩૪.૧૫ પર આવી ગયો છે. આ કિંમતે તેનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૨૧,૨૪૨.૦૯ કરોડ રહી ગયું છે. આ રીતે, IPOમાં સ્ટોક મેળવનારા રોકાણકારોને દરેક શેર પર રૂ. ૧,૮૧૫.૮૫નું નુકસાન થયું છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
