તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
૨૮૩ બેઠકોનું વોટિંગ પૂર્ણ : ૩ તબક્કા પછી કોનું પલ્લુ ભારે ?
હવે બાકીના ૪ તબક્કામાં ૨૬૦ બેઠકો માટે મતદાન થશે : નિષ્ણાંતોના મતે જેવી અપેક્ષા હતી તેવી એકતરફી ચૂંટણી નથી : વિપક્ષ પણ લડતો દેખાય છે :મહારાષ્ટ્ર - બિહાર - કર્ણાટક જેવા અનેક ‘ટક્કરવાળા' રાજ્યોમાં ‘કાંટે કી ટક્કર'ના એંધાણ : ચૂંટણીમાં કોઇ લ્હેર નથી દેખાતી : અનામત - બંધારણ બન્યા મુદ્દા

નવી દિલ્હી તા. ૮ : ૧૮મી લોકસભા (લોકસભા ચૂંટણી ૨૦૨૪)ની ચૂંટણીઓએ તેમની અડધાથી વધુ યાત્રા પૂર્ણ કરી લીધી છે. ત્રીજા તબક્કામાં મંગળવારે ૧૨ રાજયોની ૯૪ બેઠકો પર મતદાન પૂર્ણ થવાની સાથે જ લોકસભાના ૫૪૩ સભ્યોની ૨૮૩ બેઠકો માટે મતદાનનું કાર્ય પૂર્ણ થયું હતું. લોકસભામાં બહુમત માટે ૨૭૨ સભ્યોની જરૂર છે અને ૨૮૩ બેઠકો પર મતદાન થયું છે. હવે બાકીના ચાર તબક્કામાં ૨૬૦ બેઠકો પર મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ત્રણ તબક્કાના મતદાન બાદ કયા ગઠબંધનનો હાથ ઉપર છે અને સતત ઘટી રહેલી મતદાન ટકાવારીનો અર્થ શું છે?
આ વખતે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાનની ટકાવારી ૫ ટકાથી વધુ ઘટી છે. જયારે ૨૦૧૯માં આ બેઠકો પર ૬૭ ટકા મતદાન થયું હતું, જયારે આ વખતે માત્ર ૬૨ ટકા લોકોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌથી વધુ મતદાન આસામમાં ૭૫% અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં ૫૩.૭% હતું.
જો અન્ય રાજયોની વાત કરીએ તો ત્યાં પણ મતદાનની ટકાવારી ઘટી છે. ૨૦૧૯ ની સરખામણીમાં, આ વખતે આસામમાં ૧૦.૨%, બિહારમાં ૪.૯%, છત્તીસગઢમાં ૪.૦%, દાદરા અને નગર હવેલીમાં ૧૧.૯%, ગોવામાં ૨.૨%, ગુજરાતમાં ૮.૭%, કર્ણાટકમાં ૨.૫%, મહારાષ્ટ્રમાં ૧૦.૨% હતી. , મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશમાં તે ૪.૨%, ઉત્તર પ્રદેશમાં ૩.૯% અને પશ્ચિમ બંગાળમાં ૭.૮% ઘટ્યો છે.
ત્રીજા તબક્કામાં આસામની ધુબરી લોકસભા સીટ પર સૌથી વધુ મતદાન થયું છે. અહીં ૭૯.૭% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. જયારે ગુજરાતની અમરેલી સીટ પર માત્ર ૪૬.૧% લોકો જ મતદાન કરવા ઘરની બહાર આવ્યા હતા.
અત્યાર સુધીના ડેટા અનુસાર, આ ત્રણેય તબક્કામાં જોવામાં આવેલી સૌથી મોટી બાબત એ છે કે આ ત્રણેય તબક્કામાં ૨૦૧૯ની સરખામણીમાં મતદાનની ટકાવારી ઓછી રહી છે. ૨૦૧૯ માં, મતદાનની ટકાવારી વધતા તબક્કા સાથે ઘટી રહી હતી અને આ વખતે પણ તે ઓછી છે. ૨૦૧૯ અને ૨૦૨૪ વચ્ચેનો તફાવત એ છે કે ૨૦૧૯માં ત્રણ તબક્કામાં ૩૦૨ બેઠકો પર મતદાન થયું હતું, જયારે આ વખતે ત્રણ તબક્કામાં માત્ર ૨૮૨ બેઠકો પર જ મતદાન થયું હતું.
ચૂંટણીના ત્રણ તબક્કા પછી ત્રણ ચૂંટણી વિશ્લેષકો સંજય કુમાર, નીરજા ચૌધરી અને સંદીપ શાષાીએ આ ચૂંટણીના અડધાથી વધુનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું.
ચૂંટણી વિશ્લેષક સંદીપ શાષાીએ જણાવ્યું હતું કે ઓછી વોટ ટકાવારી પાછળ ઘણાં કારણો છે. એક તરફ લોકો કાળઝાળ ગરમીને કારણ જણાવી રહ્યા છે તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રાજકીય ગરમી પણ એટલી ગરમ નથી. નેતાઓ અને પક્ષો પર લોકોના વિશ્વાસના ઘણા કારણો હોઈ શકે છે.
જયારે ચૂંટણી વિશ્લેષક પ્રો. સંજય કુમારે કહ્યું કે ચૂંટણી દરેક માટે મહત્વની હોવી જોઈએ, પરંતુ વોટની ઘટતી ટકાવારી દર્શાવે છે કે લોકોનો ચૂંટણી પ્રત્યેનો રસ પણ ઘટી રહ્યો છે. ગરમી કે ઉદાસીનતા સિવાય પણ આના ઘણા કારણો હોઈ શકે છે. દરમિયાન, જયારે મહારાષ્ટ્રમાં બહુ ઓછા લોકોએ મતદાન કર્યું છે, ત્યારે આસામ અને પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ એકંદરે મતદારોમાં ઉદાસીનતા સ્પષ્ટ દેખાય છે.
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ કહ્યું કે ૨૦૧૪માં યુપીએ-૨ સામે લોકોમાં નારાજગી હતી અને મુખ્ય ફોકસ નરેન્દ્ર મોદી પર હતું. જયારે ૨૦૧૯માં પુલવામા અને સર્જિકલ સ્ટ્રાઈકના કારણે રાષ્ટ્રીય ગૌરવના મુદ્દાને લઈને ઉત્સાહ હતો, પરંતુ આ વખતે કોઈ લહેર દેખાતી નથી. જો કે એવું નથી કે લોકો ભાજપને વોટ નથી આપી રહ્યા, પરંતુ છેલ્લી બે ચૂંટણીઓ જેવું નથી.
ચૂંટણી વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ચૂંટણી બિલકુલ એકતરફી નથી જેવી માનવામાં આવી રહી હતી, વિપક્ષો પણ લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અનેક જગ્યાએ લોકોનો અસંતોષ પણ સામે આવી રહ્યો છે. મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટક જેવા ઘણા હરીફાઈવાળા રાજયોમાં હરીફાઈ ખૂબ નજીક આવી ગઈ છે. અનામત અને બંધારણ પણ મોટો મુદ્દો બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આગામી તબક્કામાં મુસ્લિમો માટે અનામત સહિત અન્ય ઘણા મુદ્દાઓ ચૂંટણીમાં ચર્ચાના કેન્દ્રમાં રહેશે.(૨૧.૫)
ત્રીજા તબક્કાના મતદાન પછીના ૧૦ મહત્વના પ્રશ્નો
૧. સતત ત્રીજા રાઉન્ડ માટે મતદાનમાં ઘટાડાનો અર્થ શું છે?
૨. ઓછા મતદાન છતાં ભાજપ પોતાનો સારો સ્કોર જાળવી શકશે?
૩. બંગાળમાં મતદાન કેમ ઘટ્યું?
૪. કર્ણાટકમાં ‘પ્રજ્જવલ' વિવાદની શું અસર થઈ?
૫. મહારાષ્ટ્રના બારામતીમાં કાકા કે ભત્રીજા?
૬. શું યુપીના યાદવલેન્ડમાં મુલાયમ પરિવારની પ્રતિષ્ઠા ટકી શકશે?
૭. મધ્યપ્રદેશમાં ઓછા મતદાનનો અર્થ શું છે?
૮. શું કોંગ્રેસ ભાજપ સાથે સ્પર્ધા કરી શકશે?
૯. ત્રીજા તબક્કાનું મતદાન, કોના માટે ખતરાની ઘંટડી?
૧૦. ત્રણ તબક્કાની ચૂંટણીઓ જોયા પછી તમે શું સમજી રહ્યા છો?
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
