<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

વડાપ્રધાને રાખડી બંધાવી, બાળક રમાડયું, બચ્‍ચાઓને ખુશ કરી દીધાં

મોદીએ સવારે સાડાસાત વાગ્‍યે પહોંચીને અમિતભાઇ શાહના મતવિસ્‍તારમાં પિન્‍ક બૂથમાં કર્યુ વોટિંગ અને પછી એકાદ કિલોમીટર ચાલીને લોકોનું અભિવાદન કર્યુ

નવી દિલ્‍હી, તા.૮: ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો માટે ગઈ કાલે યોજાયેલી ચૂંટણી માટે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ગઈકાલે અમદાવાદમાં મતદાન કરવા આવ્‍યા હતા જ્‍યાં તેમણે પિન્‍ક બૂથમાં અન્‍ય મતદારોની જેમ જ ચૂંટણી-કર્મચારીને ઇલેક્‍શન કાર્ડ બતાવીને વોટિંગ કર્યું હતું. સમયસર વોટિંગ કરવા આવેલા નરેન્‍દ્રભાઇ મોદીને સપોર્ટ કરવા ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો સાથે તેમની ઝલક માટે પબ્‍લિક ઊમટી પડી હતી.

અમદાવાદના રાણીપ વિસ્‍તારમાં આવેલા નિશાન વિદ્યાલયમાં ગઈ કાલે સવારે સાડાસાત વાગ્‍યે નરેન્‍દ્રભાઇ મોદી મતદાન કરવા આવ્‍યા હતા. આ મતવિસ્‍તારમાં અમિતભાઇ શાહ BJPના ઉમેદવાર છે. ઉનાળાની ગરમીના કારણે સૌને સવાર-સવારમાં મતદાન કરવાની અપીલ કરનાર નરેન્‍દ્રભાઇ મોદી પોતે પણ સવારે જ મતદાન કરવા આવ્‍યા હતા. મહિલાઓ દ્વારા સંચાલિત પિન્‍ક બૂથમાં તેઓ મતદાન કરવા ગયા હતા. ચૂંટણી-કર્મચારીને તેમણે તેમની સ્‍લિપ અને ઇલેક્‍શન કાર્ડ બતાવ્‍યાં હતાં અને ત્‍યાર બાદ આંગળી પર અવિલોપ્‍ય શાહીનું ટપકું કરાવીને મતદાન કર્યું હતું. વોટિંગ કર્યા બાદ તેમણે બહાર આવીને સૌને આંગળી પર મતદાનના નિશાનને બતાવ્‍યું હતું. મતદાન કરીને બહાર આવ્‍યા બાદ નરેન્‍દ્રભાઇ મોદીએ લગભગ એકાદ કિલોમીટર ચાલીને સૌનું અભિવાદન કર્યું હતું. નરેન્‍દ્રભાઇ મોદીને સપોર્ટ કરવા માટે અને પોતાના નેતાને જોવા માટે કંઈકેટલાય લોકો ઊમટયા હતા. ઢોલનગારાંના તાલથી લઈને કમળનાં ચિહનોથી મોદી-મોદીના નારા વચ્‍ચે BJPએ તેમને આવકાર આપ્‍યો હતો.

પિન્‍ક બૂથ સંચાલક અવનિ પટેલે કહ્યું હતું કે ‘આ બૂથનું સંચાલન મહિલાઓ કરી રહી છે અને એ પિન્‍ક બૂથ તરીકે ઓળખાય છે. અહીં પાંચ મહિલાઓ મતદાનની કામગીરી કરાવી રહી છે.'

મતદાન કરીને બહાર આવ્‍યા બાદ વડા પ્રધાન ઉપસ્‍થિત લોકોનું અભિવાદન કરી રહ્યા હતા ત્‍યારે એક વળદ્ધ મહિલા ત્‍યાં આવી હતી અને તેણે નરેન્‍દ્રભાઇ મોદીના હાથમાં રાખડી બાંધી હતી. વડાપ્રધાને આ મહિલાને હાથ જોડ્‍યા હતા અને તેમના આશીર્વાદ માગ્‍યા હતા.

નરેન્‍દ્રભાઇ મોદી મતદાનબૂથ પર લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્‍યારે એક મહિલા તેના બાળકને લઈને ઊભી હતી. વડા પ્રધાને તે બાળકને ગોદમાં લીધું હતું અને વહાલ કર્યું હતું.

મોદીના સ્‍કેચની ભેટ આપી. વડા પ્રધાનને તેમનો સ્‍કેચ ભેટ કરનારા દેવર્ષ પંડ્‍યાએ કહ્યું હતું કે મેં મોદીજીને પૂછયું કે આ ડ્રૉઇંગ કેવું બન્‍યું છે ત્‍યારે તેમણે કહ્યું કે સારું બન્‍યું છે. મેં કહ્યું કે એ મેં સોમવારે રાતે બનાવ્‍યું છે. વડાપ્રધાને એના પર હસ્‍તાક્ષર પણ કર્યા હતા. મોદીને સ્‍કેચ આપનારી બીજી એક છોકરીએ કહ્યું હતું કે મેં આ સ્‍કેચ મારી જાતે જ બનાવ્‍યો હતો અને વડા પ્રધાને મારો સ્‍કેચ જોયો હતો, અને પેન માગીને મને ઓટોગ્રાફ પણ આપ્‍યો હતો. હું ખૂબ ખુશ છું.

સિયા પટેલે વડાપ્રધાન મોદીને તેમની જ તસવીર ભેટ આપી હતી. તેણે જણાવ્‍યું કે મેં મોદીજી પાસેથી ઓટોગ્રાફ માગ્‍યા હતા, જ્‍યારથી મેં તેમની તસવીર બનાવી હતી ત્‍યારથી હું તેમનો ઇન્‍તજાર કરી રહી હતી, તેમને મળીને હવે શું કહેવું એ ખબર નથી પડી રહી, આ એક શાનદાર અનુભવ હતો

(11:46 AM IST)