<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

કોંગ્રેસને અંબાણી - અદાણી પાસેથી કેટલુ કાળુ નાણુ મળ્‍યુ ? : નરેન્‍દ્રભાઇનો સવાલ

તેલંગાણાના કરીમનગર ખાતે વિશાળ જનમેદનીને વડાપ્રધાનનું સંબોધન : પ્રથમ વખત સીધો સવાલ પૂછયો :શહેજાદા પહેલા પાંચ ઉદ્યોગપતિઓના ખૂબ નામ લેતા, પણ ચૂંટણી જાહેર થતા નામ જ લેવાનું બંધ કર્યુ : દેશમાં સમસ્‍યાની જનની કોંગ્રેસ : પીએમ મોદી

હૈદ્રાબાદ તા. ૮ : નરેન્‍દ્રભાઈ આજે તેલંગાણાના પ્રવાસે છે.તેમણે કરીમનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી.સંબોધન પહેલા નરેન્‍દ્રભાઈએ હૈદરાબાદથી લગભગ ૧૫૦ કિમી દૂર વેમુલાવાડા ખાતે શ્રી રાજરાજેશ્વર સ્‍વામી મંદિરમાં પૂજા, પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારીઓએ પીએમ મોદીના કપાળ પર તિલક લગાવી વૈદિક આશીર્વાદ આપ્‍યા હતા.

પીએમ મોદી અન્નમય જિલ્લામાં એક રેલીમાં પણ હાજરી આપશે અને ત્‍યારબાદ આંધ્રપ્રદેશના વિજયવાડામાં રોડ શો કરશે. પીએમ મંગળવારે રાત્રે રાજભવનમાં રોકાયા હતા.

નરેન્‍દ્રભાઈએ કરીમનગર ખાતે સભાને સંબોધન કરતા જણાવેલ કે,હું અભિભૂત છું અને ભાગ્‍યશાળી છું કે તમે બધા મને આશીર્વાદ આપવા અહીં આવ્‍યા છો. હું તમારા બધાનો ઋણી છું.

ભાજપ હંમેશા ‘રાષ્‍ટ્ર પ્રથમ' નીતિ પર કામ કરે છે જ્‍યારે કોંગ્રેસ અને બીઆરએસ ‘ફેમિલી ફર્સ્‍ટ'ના સિદ્ધાંત પર કામ કરે છે. તે રાજકીય પક્ષો પરિવાર દ્વારા,પરિવાર માટે જેવા છે. કોંગ્રેસ અને બીઆરએસ અલગ નથી,તેઓ ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણની રાજનીતિ અને ઝીરો ગવર્નસથી જોડાયેલા છે.

તેલંગાણાના લોકોએ છેલ્લા ૧૦ વર્ષમાં મારૂં કામ જોયું છે. તમારા એક મતે ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનાવી છે. તમારા એક મતે કલમ ૩૭૦ નાબૂદ કરી અને જમ્‍મુ અને કાશ્‍મીરમાં શાંતિ અને સમળદ્ધિ સુનિヘતિ કરી. તમારા એક મતે ભારતને સંરક્ષણ આયાતકારમાંથી સંરક્ષણ નિકાસકારમાં ફેરવ્‍યું છે.

કોંગ્રેસ પર કટાક્ષ કરતા નરેન્‍દ્રભાઈએ જણાવેલ કે, હું કોંગ્રેસના શેહજાદાને પૂછવા માંગુ છું કે, વર્ષોથી કોંગ્રેસના શહેજાદે ‘પાંચ ઉદ્યોગપતિ', ‘અંબાણી', ‘અદાણી'નું નામ બોલતા હતા.પરંતુ ચૂંટણી જાહેર થતાં તેઓ અંબાણી, અદાણીનું નામ નથી લેતા. હું કોંગ્રેસના શેહજાદેને પૂછવા માંગુ છું કે, અદાણી, અંબાણી પાસેથી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી માટે કેટલું કાળું નાણું મેળવ્‍યું છે?

(1:49 PM IST)