<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ઓછુ મતદાન કોને કરાવશે ફાયદો ?

મતદાન જાગૃતિ માટેના ચૂંટણીપંચ અને તંત્રના અનેક પ્રયાસો છતા મતદાન પ્રત્‍યે લોકોમાં જોઇએ તેટલો ઉત્‍સાહ જોવા મળ્‍યો ન હતો

નવી દિલ્‍હી, તા.૮: ગુજરાતની ૨૫ બેઠકો સહિત દેશની કુલ ૯૩ બેઠકો પર લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.. ગુજરાતમાં ૫૫.૨૨ ટકા મતદાન થયા હોવાની વિગતો મળી છે. સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર થયું છે. જ્‍યારે સૌથી ઓછું મતદાન અમરેલી લોકસભા બેઠક પર થયું છે.. વલસાડ લોકસભા બેઠક પર ૬૮.૧૨ ટકા મતદાન થયું છે, જ્‍યારે અમરેલીમાં ૪૫.૫૯ ટકા મતદાન થયું છે.

સૌથી મહત્‍વની વાત એ હતી કે આ વખતે મતદાન જાગૃતિ માટેના ચૂંટણીપંચ અને તંત્રના અનેક પ્રયાસો છતા મતદાન પ્રત્‍યે લોકોમાં જોઇએ તેટલો ઉત્‍સાહ જોવા મળ્‍યો ન હતો.. સોશિયલ મીડિયા મારફતે પણ મતદાન જાગૃતિ માટે પ્રયાસો થયા હતા પરંતુ તેની ખાસ અસર જોવા ન મળી..એટલું જ નહીં મતદાનને પ્રોત્‍સાહન આપવા માટે મતદારોને આપવામાં આવેલી ઓફરો પણ કારગત ન નીવડી હોય તેવું લાગ્‍યું.

હોટલ એસોસિએશન દ્વારા હોટલમાં ભોજનના બીલમાં ડિસ્‍કાઉન્‍ટ હોય કે પછી કેમિસ્‍ટ દ્વારા દવાના બિલમાં ડિસ્‍કાઉન્‍ટની ઓફર લોકોને જોઇએ તેટલી અસર ન કરી શકી..અને મતદાનનો આંકડો ૨૦૧૯ના ઇલેક્‍શન કરતા વધવાની આશા હતી પરંતુ તેનાથી ઘટયો.

માનવામાં આવે છે કે ઓછુ મતદાન સત્તાપક્ષને નુકસાન કરનારુ હોય છે. એવું માનવામાં આવે છે કે મતદારની નારાજગી કે નિષ્‍ક્રિયતા હમેંશા શાસક પક્ષ સામે હોય છે. લોકો જ્‍યારે શાસક પક્ષથી નારાજ હોય ત્‍યારે મતદાનથી અલિપ્ત રહેતા હોય છે.. જો કે આ તબક્કે કંઇપણ કહેવું ઉતાવળીયું ગણાશે, ત્‍યારે હવે સાચા નિષ્‍કર્ષ માટે પરિણામની રાહ જોવી રહી

(3:29 PM IST)