તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 9th May 2024
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
ખાનગી કંપનીનો કામનો કોન્ટ્રેક્ટ કારણ વિના રદ કરી ન શકાય

નવી દિલ્હી,તા. ૯: ખાનગી કંપનીઓને આપવામાં આવેલા કામના કોન્ટ્રેક્ટ કારણ આપ્યા વિના રદ કરી શકાય નહીં, એમ જણાવતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કલકત્તા હાઈ કોર્ટના ચુકાદા સામે કરવામાં આવેલી અપીલ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે. બી. પારડીવાલા તેમ જ જસ્ટિસ મનોજ મિસરાની ખંડપીઠે કહ્યું હતું કે કોન્ટ્રેક્ટ મેળવ્યા બાદ ખાનગી પાર્ટીઓ જે રોકાણ કરે છે તેમાં વળતર મેળવવાની વ્યાજબી અપેક્ષાઓ હોય છે.
કોઈપણ કારણ આપ્યા વગર કાઙ્ઘન્ટ્રેક્ટને કેવી રીતે ખતમ કરી શકાય? ખાનગી વ્યક્તિ કામ મળ્યા બાદ ખાસ્સું એવું રોકાણ કરતો હોય છે.
આ કેસની વાસ્તવિકતાનો ઉલ્લેખ કરતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે કોન્ટ્રેક્ટને રદ કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું.
હાઈકોર્ટની ખંડપીઠે ૨૫ મે, ૨૦૨૩ના રોજ સિંગલ જજની ખંડપીઠના ચુકાદાને માન્ય રાખ્યો હતો, જેણે સુબોધ કુમાર સિંહ રાઠોડની પેઢીને આપવામાં આવેલો કોન્ટ્રેક્ટ રદ કરવાને મંજૂરી આપી હતી.
આ પેઢીએ કોલકાતામાં ઈસ્ટર્ન મેટ્રોપોલિટન બાયપાસના બે અંડરપાસની ૧૦ વર્ષની જાળવણી માટેનો કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો. કોન્ટ્રેક્ટના ભાગરૂપે પેઢીને અંડરપાસની અંદર અને ઉપર જાહેરાત કરવાના અધિકાર આપવામાં આવ્યા હતા અને તેને માટે તેમણે કેટલુંક બાંધકામ કરવું પડ્યું હતું.
જોકે, કેડીએમએ (કોલકાતા મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા સાત ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ કોન્ટ્રેક્ટ ટર્મિનેટ કરી દેવામાં આવ્યો હતો.
કેડીએમએએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાઠોડ દ્વારા જમા કરવામાં આવેલી લાઈસન્સ ફી અને બાંધકામ માટે થયેલો ખર્ચનું વળતર આપી દેશે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
