News of Thursday, 9th May 2024
દોસ્ત-દોસ્ત ના રહા...: મોદીજીની ખુરશી ડગમગીઃ જેથી પોતાના જ મિત્રો પર હુમલો કરે છેઃ ખડગેનો પલટવાર
નરેન્દ્રભાઇના અંબાણી-અદાણીના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષનો પ્રહાર

નવી દિલ્હી, તા., ૯: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન પોતાના જ મિત્રો પર હુમલાખોર બની ગયા છે જે દર્શાવે છે કે મોદીજીની ખુરશી હલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અદાણી-અંબાણી પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.
ખડગેએ ટ્વીટ કરીને કહ્યું, સમય બદલાઈ રહ્યો છે. મિત્ર હવે મિત્ર નથી રહ્યો! વાસ્તવમાં પીએમ મોદીએ તેલંગાણામાં રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે ૫ વર્ષ સુધી રાજકુમાર અદાણી-અંબાણીની માળા જપતા હતા, પરંતુ જ્યારથી ચૂંટણી શરૂ થઈ ત્યારથી તેમણે નામ લેવાનું બંધ કરી દીધું. ખડગેએ ટ્વીટ કરીને કહ્યું, સમય બદલાઈ રહ્યો છે. મિત્ર હવે મિત્ર નથી રહ્યો! ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે વડાપ્રધાન પોતાના જ મિત્રો પર હુમલાખોર બન્યા છે તે દર્શાવે છે કે મોદીજીની ખુરશી હલી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.
ગઇકાલે બુધવારે તેલંગાણાના કરીમનગરમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસને પૂછયું કે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા પછી અંબાણી અને અદાણીનું નામ લેવાનું કેમ બંધ કર્યું? પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી માટે તે ઉદ્યોગપતિઓ પાસેથી કેટલા પૈસા મેળવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના રાજકુમાર છેલ્લા ૫ વર્ષથી સવારે ઉઠતાની સાથે જ માળા જપવાનું શરૂ કરી દેતા હતા. જ્યારથી તેમનું રાફેલ વાળુ ગ્રાઉન્ડેડ થયું છે. ત્યારથી તેણે નવી માળાનો જાપ શરૂ કર્યો. ૫ વર્ષ સુધી એક જ માળા જપતા, ૫ ઉદ્યોગપતિ, પછી ધીમે ધીમે અંબાણી, અદાણી કહેવા લાગ્યા.
પીએમ મોદીએ કહ્યું, પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તેઓએ અંબાણી અને અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. આજે મારે તેલંગાણાની ધરતીથી કોંગ્રેસના રાજકુમારને પૂછવા માંગુ છું કે, તેમને અદાણી અને અંબાણી પાસેથી કેટલુ નાણુ મળ્યું છે? શું તમને કાળા નાણાથી ભરેલ થેલા મળ્યા છે? એવી કઈ ડીલ થઈ છે કે તમે રાતોરાત અંબાણી અને અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? દાળમાં કંઈક કાળું હોવું જોઈએ.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
