<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

વોશિંગ્‍ટન ભારતની ચૂંટણીમાં હસ્‍તક્ષેપ કરતું નથી

અમેરિકાએ રશિયાના આરોપોને નકારી કાઢયા

વોશિંગ્‍ટન, તા.૧૦: અમેરિકાએ ગુરુવારે ભારતની ચૂંટણીમાં વોશિંગ્‍ટનની દખલગીરીના રશિયાના આરોપોને નકારી કાઢયા અને કહ્યું કે તે વિશ્વમાં કયાંય પણ ચૂંટણીમાં ભાગ લેતો નથી. વિદેશ વિભાગે કહ્યું કે ચૂંટણીનો નિર્ણય ભારતના લોકોએ કરવાનો છે.

સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટના પ્રવક્‍તા મેથ્‍યુ મિલરે એક પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન જણાવ્‍યું હતું કે, અમે ભારતમાં ચૂંટણીમાં પોતાને સામેલ કરતા નથી, કારણ કે અમે વિશ્વમાં કયાંય પણ ચૂંટણીમાં પોતાને સામેલ કરતા નથી.ૅ આ નિર્ણયો ભારતના લોકોએ લેવાના છે.

હકીકતમાં રશિયાએ લોકસભા ચૂંટણી દરમિયાન મોટો દાવો કરતા કહ્યું હતું કે અમેરિકા ભારતની ચૂંટણીમાં હસ્‍તક્ષેપ

કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્‍ય સામાન્‍ય ચૂંટણી દરમિયાન દેશને અસ્‍થિર કરવાનો છે.

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા મારિયા ઝાખારોવાએ કહ્યું હતું કે અમેરિકા ભારતના રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતની રાજકીય સમજ અને ઈતિહાસ સમજી શકતો નથી. ઝાખારોવાએ ભારતમાં ધાર્મિક સ્‍વતંત્રતા પર અમેરિકાના રિપોર્ટના સંદર્ભમાં આ નિવેદન આપ્‍યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતની ધાર્મિક સ્‍વતંત્રતા અંગે અમેરિકા સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. તેનો ઉદ્દેશ્‍ય ભારતના આંતરિક રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનો અને સામાન્‍ય ચૂંટણીઓમાં અવરોધો ઉભો કરવાનો છે. ઝખારોવાએ કહ્યું કે અમેરિકાની ગતિવિધિઓ સ્‍પષ્ટપણે ભારતની આંતરિક બાબતોમાં હસ્‍તક્ષેપ દર્શાવે છે.

ખાલિસ્‍તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્‍યાના કાવતરાના ભારતના આરોપ અંગે ઝખારોવાએ કહ્યું હતું કે અમેરિકાએ હજુ સુધી આ કેસમાં ભારતીય નાગરિકોની સંડોવણીના કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા નથી. પુરાવા વિના આવી અટકળો સ્‍વીકારી શકાતી નથી.

તેમણે કહ્યું કે, અમેરિકા ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે. તે ભારતને સમજતો નથી. આ કારણે તે ભારત પર ધાર્મિક સ્‍વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યો છે.

(10:40 AM IST)