<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્‍તે વિવિધ ક્ષેત્રમાં પ્રદાન બદલ પ્રતિભાઓને પદ્મશ્રી પુરસ્‍કાર એનાયત

વૈજયંતિ માલા, ચિંરજીવી, પદમા સુબ્રમણ્‍યમ, પ્રથમ મહિલા મહાવત પાર્વતી ડો. બરૂઆ રાજન્‍ના સહિતની હસ્‍તીઓને સન્‍માનીત કરાઇ

નવી દિલ્‍હી તા. ૧૦ : નવી દિલ્‍હીમાં પદ્મ પુરસ્‍કારો આપવામાં આવ્‍યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચિરંજીવી અને વૈજયંતિ માલાને સિનેમામાં તેમના ઉત્‍કૃષ્ટ યોગદાન બદલ પદ્મ વિભૂષણ, બીજા સર્વોચ્‍ચ નાગરિક પુરસ્‍કારથી નવાજયા. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્‍યાએ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. ચિરંજીવી, વૈજયંતિ માલા અને સિનેમા જગતના પ્રખ્‍યાત નૃત્‍યાંગના પદ્મા સુબ્રમણ્‍યમને પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્‍યા હતા. જ્‍યારે સમાજ સેવા માટે ડો. કે. સી. રાજન્‍નાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્‍યો હતો.

૬૮ વર્ષના એક્‍ટર ચિરંજીવીએ ૧૫૦ થી વધુ ફિલ્‍મોમાં કામ કર્યું છે. તેમણે ૨૦૦૮માં આંધ્ર પ્રદેશમાં એક રાજકીય પક્ષ પ્રજા રાજયમ પાર્ટીની શરૂઆત કરી. ચિરંજીવીને ૨૦૦૬માં પદ્મ ભૂષણ મળ્‍યો હતો.

૮૭ વર્ષની વૈજયંતી માલા ૫૦ અને ૬૦ના દાયકાની એક મહાન અભિનેત્રી હતી. વૈજયંતિમાલાએ ૧૩ વર્ષની ઉંમરે તમિલ ફિલ્‍મોમાં કારકિર્દી શરૂ કરી હતી. તેમણે આશા, નયા દૌર, સાધના, મધુમતી જેવી શ્રેષ્ઠ ફિલ્‍મો ઇન્‍ડસ્‍ટ્રીને આપી છે.

પદ્મા સુબ્રમણ્‍યમ ભરતનાટ્‍યમ નૃત્‍યાંગના છે. તે રિસર્ચ સ્‍કોલર, કોરિયોગ્રાફર, શિક્ષક, ઈન્‍ડોલોજિસ્‍ટ અને લેખક પણ છે. પદ્મના સન્‍માનમાં જાપાન, ઓસ્‍ટ્રેલિયા અને રશિયામાં ઘણી ફિલ્‍મો અને દસ્‍તાવેજી બનાવવામાં આવી છે.

ડો. કે.સી. રાજન્‍નાએ ૧૧ માસની ઉંમરમાં પોલીયોના કારણે હાથ-પગ બંને ગુમાવ્‍યા હોવા છતાં તેમના સમાજ સેવા ક્ષેત્રમાં ઉત્‍કૃષ્‍ઠ પ્રદાન બદલ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી ર્મૂર્મૂના હસ્‍તે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્‍યો હતો.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્‍યાએ ૨૦૨૪ના પદ્મ પુરસ્‍કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી પાંચને પદ્મ વિભૂષણ, ૧૭ને પદ્મ ભૂષણ અને ૧૧૦ વ્‍યક્‍તિઓને પદ્મશ્રી પુરસ્‍કાર જાહેર કરાયા હતા. અભિનેત્રી વૈજયંતિ માલા, વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણ અને મિથુન ચક્રવર્તી, ઉષા ઉથુપને પદ્મ ભૂષણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્‍યા હતા.

૨૦૨૪ માટે પદ્મશ્રી એવોર્ડ એવા લોકોને આપવામાં આવી રહ્યો છે જેઓ અત્‍યાર સુધી અનામી હતા. જેમાં દેશની પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ અને જગેશ્વર યાદવના નામ સામેલ છે, જે બંને આસામના રહેવાસી છે. આ સિવાય લિસ્‍ટમાં ચાર્મી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગમ સહિત ઘણા મોટા નામ છે.

પદ્મ પુરસ્‍કાર વિજેતાઓમાં ૩૦ મહિલાઓ છે. આમાં, વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના ૮ લોકો પણ છે. ૯ સેલિબ્રિટી છે જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. આ પહેલા ૨૩ જાન્‍યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્‍યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્‍ન આપવાની જાહેરાત કરી હતી.

(12:45 PM IST)