<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે બ્રિજભૂષણને લાગ્યો ઝટકો

કોર્ટે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવાનો આદેશ આપ્યો :આ સાથે બ્રિજ ભૂષણના સચિવ વિનોદ તોમર સામે આરોપો ઘડવાના પણ આદેશ આપવામાં આવ્યા છે

નવી દિલ્હી, તા.૧૦

મહિલા રેસલર્સના કથિત જાતીય શોષણ મામલે કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને બીજેપી નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે. આ સાથે બ્રિજ ભૂષણના સચિવ વિનોદ તોમર સામે આરોપો ઘડવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવા માટે પૂરતા પુરાવા છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ કલમ ૩૫૪ (કોઇ મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવાના ઇરાદા સાથે તેના પર હુમલો અથવા ફોજદારી બળ), ૩૫૪-છ (જાતીય સતામણી) અને કલમ ૫૦૬ (ગુનાહિત ધમકી) હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે વિનોદ તોમર વિરુદ્ધ કલમ ૫૦૬(૧) હેઠળ આરોપો ઘડવા માટેના પુરતા પુરાવા છે.

૧૫ જૂન, ૨૦૨૩ના રોજ દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સામે કલમ ૩૫૪, ૩૫૪-A (જાતીય સતામણી), ૩૫૪-D (પીછો કરવો) અને કલમ ૫૦૬ (ગુનાહિત ધમકી) હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. ભાજપના સાંસદ પર છ કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમની ફરિયાદના આધારે પોલીસે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી.  નોંધનીય છે કે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ દેશ અને અન્ય બે કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીના આરોપો લગાવ્યા હતા અને તેમની સામે વિરોધ દર્શાવ્યો હતો. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો પરંતુ જૂલાઈમાં બ્રિજ ભૂષણને સ્થાનિક કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

(9:51 PM IST)