<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

મોડી રાત્રીના ભયાનક પવનથી લોકોમાં ભય ફેલાયો...

ભર ઉનાળે મીની વાવાઝોડા - વરસાદથી ભારે તારાજી : પાકને નુકસાન

ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, મોરબી, સુરેન્‍દ્રનગર, રાજકોટ જિલ્લામાં અનેક જગ્‍યાએ મંડપ, હોર્ડિંગ્‍સ, બોર્ડ ઉડયા : થાંભલા, વૃક્ષો ધરાશાયી : વિજ પુરવઠો ઠપ્‍પ થયો : સવારથી મિશ્ર હવામાન

પ્રથમ, બીજી અને ત્રીજી તસ્વીરમાં વાંકાનેરમાં પડેલ વરસાદ, વૃક્ષો ધરાશાયી, ચોથી - પાંચમી તસ્વીરમાં જસદણના લાખાવડમાં પડેલ વરસાદ છઠ્ઠી તસ્વીરમાં ગોડલના દેરડી (કુંભાજી)માં વરસેલ વરસાદ તથા સાતમી તસ્વીરમાં ગોડલમાં છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્વીર : લિતેશ ચંદારાણા - વાંકાનેર, ભાવેશ ભોજાણી - ગોડલ)

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ભરઉનાળે ખાબકેલા મીની વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઇ છે. કેરી સહિત ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે.

કાલે સાંજના ૪ વાગ્‍યાથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો અને ભાવનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, મોરબી, સુરેન્‍દ્રનગર સહિતના જીલ્લાઓમાં કમોસમી વરસાદ સાથે મીની વાવાઝોડુ ફૂંકાયું હતું અને કરા પડયા હતા. જેના કારણે કથા - લગ્નના મંડપ, હોર્ડિંગ્‍સ, બોર્ડ ઉડયા હતા. થાંભલા તૂટી પડતા વિજ પુરવઠો ઠપ્‍પ થઇ ગયો હતો. અનેક જગ્‍યાએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.

કાલે સાંજથી શરૂ થયેલ પવનના ભયાનક સૂસવાટાથી લોકોમાં ભારે ભય ફેલાઇ ગયો હતો.

ગોંડલ

ગોંડલ શહેર તથા તાલુકાના દેરડીકુંભાજી, રાણસીકી, સુલ્‍તાનપુર, વીંઝીવડ, મોવિયા, મોટી ખીલોસ સહિતના વિસ્‍તારોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. જેથી પાકને નુકસાન થયું છે.

આ ઉપરાંત જસદણ તાલુકાના લાખાવડમાં પણ કાલે સાંજે વરસાદ પઠતા રસ્‍તા ઉપર પાણી ફરી વળ્‍યા હતા.

વાંકાનેર

(લિતેશ ચંદારાણા - મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર : છેલ્લા દસેક દિવસથી અસહ્ય ગરમીમાં લોકો શેકાય રહ્યા છે ત્‍યારે કાલે સાંજે સાડા ચારેક વાગ્‍યા આસપાસ વાતાવરણમાં એકાએક પલ્‍ટો આવ્‍યો હતો.

પ્રારંભે ધીમીધારે ફુંકાતા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી ત્‍યારબાદ થોડી જ વારમાં બિહામણા વિજળીના કડાકા - ભડાકા સાથે મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં થોડીવાર અફરા - તફરી મચી ગઇ હતી.

ગાજગીજ અને ભારે પવન ફુંકાતા જ શહેરભરમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. વરસાદ શરૂ થતાં જ રસ્‍તાઓ પર પાણી વહેતા થયા હતા. વાંકાનેર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ વરસાદ પડયાના અહેવાલ જાણવા મળી રહ્યા છે.

આ તકે ક્‍યાય નુકસાનની જાણવા મળેલ નથી પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આશરે અડધો કલાક વરસેલા વરસાદથી રોડ - રસ્‍તાઓ પર પાણી-પાણી થઇ ગયું હતું.

(10:34 AM IST)