તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ટાટા મોટર્સમાં રોકાણકારોએ ૧ દિવસમાં ગુમાવ્યા ૩૦,૦૦૦ કરોડ રૂપિયા
સપ્તાહના પ્રથમ દિવસે શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો : શેર ૮ ટકા ઘટીને રૂ. ૯૫૯.૭૫ પર બંધ થયો હતો

નવી દિલ્હી તા. ૧૪ : સોમવારે ટાટા મોટર્સના શેરમાં ૮ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. કંપનીના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો રોકાણકારોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હોવાથી તેના શેરમાં ઘટાડો થયો છે. BSE પર કંપનીનો શેર ૮.૩૨ ટકા ઘટીને રૂ. ૯૫૯.૮૦ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન તે ૯.૪૪ ટકા ઘટીને રૂ. ૯૪૮ થયો હતો. NSE પર તે ૮.૩૩ ટકા ઘટીને રૂ. ૯૫૯.૪૦ પ્રતિ શેર થયો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૨૯,૦૧૬.૨૩ કરોડ ઘટીને રૂ. ૩,૧૯,૦૧૨.૪૭ કરોડ થયું હતું.
BSE સેન્સેક્સ અને NSE નિફટીમાં લિસ્ટેડ કંપનીઓમાં ટાટા મોટર્સના શેરને સૌથી વધુ નુકસાન થયું છે. સ્થાનિક શેરબજારો પ્રારંભિક ઘટાડામાંથી પુનઃપ્રાપ્ત થયા અને સોમવારે નફા સાથે બંધ થયા. બીએસઈનો ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૧૧.૬૬ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકાના વધારા સાથે ૭૨,૭૭૬.૧૩ પોઈન્ટ પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફટી પણ ૪૮.૮૫ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકાના વધારા સાથે ૨૨,૧૦૪.૦૫ પોઈન્ટ પર બંધ થયો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ક્વાર્ટરમાં ટાટા મોટર્સનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ત્રણ ગણાથી વધુ વધીને રૂ. ૧૭,૫૨૮.૫૯ કરોડ થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં કંપનીનો ચોખ્ખો નફો ૫,૪૯૬.૦૪ કરોડ રૂપિયા હતો. ટાટા મોટર્સે શુક્રવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કંપનીની ઓપરેટિંગ આવક રૂ. ૧,૧૯,૯૮૬.૩૧ કરોડ રહી હતી.
જયારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. ૧,૦૫,૯૩૨.૩૫ કરોડ હતી. કંપનીના જણાવ્યા અનુસાર, ત્રણેય ઓટોમોટિવ બિઝનેસે ચોથા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું. કંપનીના બ્રિટિશ યુનિટ જગુઆર લેન્ડ રોવરે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ક્વાર્ટરમાં ફરી એકવાર રેકોર્ડ પ્રદર્શન કર્યું છે. આ ક્વાર્ટરમાં આવક ૭.૯ બિલિયન પાઉન્ડ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ચોથા ક્વાર્ટર કરતાં ૧૧ ટકા વધુ છે.
સર્વેન્દ્ર શ્રીવાસ્તવે સીએનબીસી આવાઝ શોમાં જણાવ્યું કે હાલમાં શેરનો ટ્રેન્ડ બદલાતો હોય તેવું લાગતું નથી. જો આખા સપ્તાહ દરમિયાન સ્ટોક ઘટશે તો તે વધુ ઘટી શકે છે. જોકે, હાલમાં એવું લાગતું નથી. જો કોઈ હાલમાં શેર ધરાવે છે તો તેને ઉપલા સ્તરે નફો બુક કરવાની સલાહ આપવામાં આવે છે.
વિદેશી બ્રોકરેજ ફર્મ UBSએ આ સ્ટોક પર સેલ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મે આ રેટિંગ પાછળ ત્રણ કારણો આપ્યા છે. પ્રથમ, જગુઆર લેન્ડ રોવરના નબળા ઉત્પાદન મિશ્રણને કારણે માર્જિનનું જોખમ વધ્યું છે. હાઇબ્રિડ વાહનોના વધતા જોખમને કારણે, પેસેન્જર વાહનો અને ઇલેક્ટ્રિક વાહનોના વ્યવસાયના બજાર હિસ્સામાં ઘટાડો થયો છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
