<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

મુંબઇ : અત્‍યાર સુધીમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્‍યા : ૭૪ ઘાયલ

પરવાનગી વગર લગાવવામાં આવ્‍યું હતું હોર્ડિંગ : કંપની વિરૂધ્‍ધ FIR

મુંબઈ તા. ૧૪ : સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્‍તારમાં ધૂળના તોફાન પછી એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં ૧૪ લોકોના મોત થયા હતા, જયારે ૭૪થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૧૫ હજાર સ્‍ક્‍વેર ફૂટથી વધુના આ હોર્ડિંગનું નામ લિમ્‍કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, જોકે હવે અધિકારીઓનું કહેવું છે કે આ મ્‍યુનિસિપલ બોડીની પરવાનગી વિના કરવામાં આવ્‍યું હતું.

વાસ્‍તવમાં, સોમવારે સાંજે મુંબઈમાં અચાનક હવામાન બદલાઈ ગયું અને આકાશ ગાઢ વાદળોથી ઢંકાઈ ગયા પછી, ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્‍યામાં લોકો દટાઈ ગયા. સ્‍થળ પર ચીસો પડી હતી. તાત્‍કાલિક પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી અને સ્‍થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્‍યો છે.

જયારે આ અકસ્‍માત થયો ત્‍યારે પેટ્રોલ પંપ પાસે ૧૦૦ થી વધુ લોકો હાજર હતા. હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો થયો હતો. સ્‍થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્‍યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે ૩ વાગ્‍યા સુધીમાં, હોર્ડિંગની અંદર ફસાયેલા કુલ ૮૬ લોકોને બચાવી લેવામાં આવ્‍યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. આ દરમિયાન ૧૪ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૭૪ ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં ઘણા લોકોની હાલત નાજુક છે. આ સિવાય ૩૧ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આ ઘટના બાદ બૃહન્‍મુંબઈ મ્‍યુનિસિપલ કોર્પોરેશન એ એક નિવેદન જારી કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્‍યું છે. BMC અનુસાર, તે જગ્‍યાએ ચાર હોર્ડિંગ્‍સ હતા અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (રેલ્‍વે મુંબઈ) માટે મંજૂર કરવામાં આવ્‍યા હતા. હોર્ડિંગ્‍સ લગાવતા પહેલા એજન્‍સી/રેલ્‍વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી.

BMCએ હોર્ડિંગ્‍સ લગાવનાર એજન્‍સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં, BMCએ કહ્યું કે તે ૪૦×૪૦ ચોરસ ફૂટના મહત્તમ કદના હોર્ડિંગ્‍સને મંજૂરી આપે છે. જો કે, જે ગેરકાયદે હોર્ડિંગ પડી ગયું તેનું કદ ૧૨૦×૧૨૦ ચોરસ ફૂટ હતું.

પોલીસે બિલબોર્ડ મેન્‍યુફેક્‍ચરિંગ એજન્‍સી મેસર્સ ઇગો મીડિયા અને તેના માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. પંત નગર પોલીસ સ્‍ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્‍યો વિરૂદ્ધ IPCની કલમ ૩૦૪, ૩૩૮, ૩૩૭ હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

તે જ સમયે, મુખ્‍યમંત્રી એકનાથ શિંદે વાવાઝોડાને કારણે થયેલા વિનાશનું નિરીક્ષણ કરવા ઘાટકોપર વિસ્‍તારમાં પહોંચ્‍યા હતા. જયાં તેમણે અધિકારીઓને ઘણી સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે લોકોને બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. મૃત્‍યુ પામેલા લોકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયા આપવામાં આવશે. મેં સંબંધિત અધિકારીઓને મુંબઈમાં આવા તમામ હોર્ડિંગ્‍સનું ઓડિટ કરવાનો નિર્દેશ આપ્‍યો છે.

(10:20 AM IST)