તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
PoKમાં હોબાળાના કારણે પાકિસ્તાન સરકાર ઘૂંટણિયે : ૪ દિવસમાં ૨૩ અબજ રૂપિયાનું ફંડ જાહેર : ૩ના મોત અને ૧૦૦થી વધુને ઇજા
હાલમાં સ્થિતિ તંગ : સતત ચોથા દિવસે પણ અથડામણ ચાલુ

નવી દિલ્હી તા. ૧૪ : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતી જતી મોંઘવારી અંગે લોકોમાં ગુસ્સો ચરમસીમાએ છે. ત્યાંના હિંસક દેખાવોએ પાકિસ્તાન સરકારને ઘૂંટણિયે લાવી દીધી છે. શેહબાઝ શરીફ સરકારે પીઓકે માટે તાત્કાલિક અસરથી ૨૩ અબજ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. સ્થાનિક સરકારે વીજળીના દર અને બ્રેડના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પીઓકેમાં હાલમાં પણ સ્થિતિ તંગ છે. આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. સતત ચોથા દિવસે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. જેમાં બે વિરોધીઓ અને એક એસઆઈનો સમાવેશ થાય છે. અથડામણમાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
વાસ્તવમાં, છેલ્લા ચાર દિવસથી, PoKમાં સામાજિક કાર્યકરો, વેપારીઓ અને વકીલો દ્વારા રચાયેલી સંયુક્ત અવામી એક્શન કમિટીએ આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતો અને ટેક્સમાં વધારા સામે રાજધાની મુઝફફરાબાદ સુધી કૂચનું આહ્વાન કર્યું છે. સોમવારે પણ લાખો વિરોધીઓએ મુઝફફરાબાદ તરફ તેમની લોંગ માર્ચ ચાલુ રાખી હતી. કૂચને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો, જેના કારણે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. રવિવારે ભીડમાંથી કોઈએ પોલીસ એસઆઈ અદનાન કુરેશીની ગોળી મારીને હત્યા કરી હતી. આ અથડામણમાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. અત્યાર સુધીમાં બે વિરોધીઓના પણ મોત થયા છે.
ભીમ્બરથી શરૂ થયેલો દેખાવકારોનો કાફલો દિરકોટથી મુઝફફરાબાદમાં પ્રવેશ્યો હતો. આ પ્રદર્શનકારીઓ મુઝફફરાબાદમાં વિધાનસભાનો ઘેરાવ કરશે. પીઓકેમાં ચોથા દિવસે પણ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ રહી હતી. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પ્રદર્શનકારીઓને શાંત કરવા સક્રિય બન્યા છે. શાહબાઝે સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોમવારે વિરોધીઓ અને સ્થાનિક સરકાર સાથેની વાતચીત બાદ તેમણે પીઓકે માટે તાત્કાલિક અસરથી રૂ. ૨૩ અબજનું બજેટ મંજૂર કર્યું હતું.
અણધાર્યા વિરોધ અને તેની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન શરીફે એક વિશેષ બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવારુલ હક, સ્થાનિક પ્રધાનો અને ટોચના નેતૃત્વએ હાજરી આપી હતી, વડા પ્રધાન કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે પીઓકેના લોકોની સમસ્યાઓના ઉકેલ માટે વડાપ્રધાન શરીફે ૨૩ અબજ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ બેઠકમાં ગઠબંધન પક્ષોના મંત્રીઓ અને નેતાઓએ પણ ભાગ લીધો હતો અને સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પીએમઓએ કહ્યું કે કાશ્મીરના નેતાઓ અને બેઠકમાં સામેલ લોકોએ શહેબાઝના નિર્ણયની પ્રશંસા કરી.
અહીં, શાહબાઝ શરીફ સાથેની બેઠક પૂરી થયા પછી તરત જ પીઓકેના વડા પ્રધાન હકે વીજળીના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. હકે કહ્યું, સ્થાનિક રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી સસ્તી વીજળી અને લોટ પર સબસિડીની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોઈ સુલભ વીજળી અને સસ્તા લોટની જરૂરિયાતને અવગણી શકે નહીં. તેમણે બ્રેડના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
