તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
સીરક્રીક - કોરીક્રીકને પ્રવાસન હબ તરીકે વિકસાવવામાં આવશે
પર્યાવરણને નુકસાન ના થાય તેની કાળજી લેવાશે : ગુજરાત સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

નવી દિલ્હી તા. ૧૪ : ગુજરાત સરકારે કચ્છ જિલ્લાના સીરક્રીક અને કોરી ક્રીકના સરહદી વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવા માટે એક વ્યાપક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને સાહસિક અનુભવો ઉપરાંત, સરકાર સ્થાનિક અર્થતંત્રને વિકસાવવા માટે એક ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય રાખે છે.
સરકાર સ્પેશિયલ ટુરિઝમ ઝોન્સ પ્રોજેક્ટ હેઠળ સીરક્રીક અને કોરી ક્રીક વિસ્તારોનો વિકાસ કરશે, જયાં કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરૂં પાડે છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘સ્થાનિક અર્થતંત્રમાં સકારાત્મક યોગદાન આપતાં સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને સાહસિક અનુભવો ધરાવતું ટકાઉ, સુલભ અને આકર્ષક પ્રવાસન સ્થળ વિકસાવવાનો હેતુ છે. આ પ્રોજેક્ટને પ્રીમિયર બોર્ડર પર્યટન સ્થળ તરીકે પ્રદર્શિત કરવામાં આવશે.'
આ પ્રોજેક્ટ નારાયણ સરોવરના કાંઠાની ઉત્તરે આવેલો છે જે પહેલેથી જ એક ધાર્મિક પ્રવાસન સ્થળ છે અને નારાયણ સરોવર અભયારણ્ય ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ ધરાવતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કોરી ક્રીક પર આવેલ કોટેશ્વર મંદિર પહેલેથી જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત, હેરિટેજ સાઇટ લખપત કિલ્લો, નારાયણ સરોવરથી માત્ર ૩૩ કિમી ઉત્તરમાં છે, સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં, નાની-ચેર બીચ, અન્ય સંભવિત પ્રવાસન સ્થળ, કોટેશ્વર મંદિરથી ૨૬ કિમી દૂર આવેલું છે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટની મુલાકાત લેતા લોકો આસપાસના અન્ય પ્રવાસન આકર્ષણોની પણ મુલાકાત લઈ શકે છે. પ્રોજેક્ટ હેઠળ, કોરી ક્રીકમાં સ્થિત પડાલા અને લુક્કીના નિર્જન ટાપુઓને ટકાઉ પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આ વિકાસ બ્લુપ્રિન્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને પર્યાપ્ત સુરક્ષા પગલાં પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે. આ વિસ્તારો આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હોવાથી, મુલાકાતીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.'
અધિકારીઓએ ઉમેર્યું હતું કે પ્રોજેક્ટ પ્લાન પર્યાવરણને બગાડ્યા વિના વિસ્તાર સમાવી શકે તેવા મુલાકાતીઓની મહત્તમ સંખ્યાનો ઉલ્લેખ કરશે તેની ખાતરી કરવા માટે પૂરતી કાળજી લેવામાં આવશે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
