<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ટ્રસ્‍ટને ૨૦૦૦થી વધુ રોકડુ દાન આપ્‍યું તો ટેક્‍સમાં બાદ નહીં મળે

ઇન્‍કમટેકસમાં નવા નિયમને કારણે રોકડમાં દાન આપનારાઓમાં અસમંજસ : ઇન્‍કમટેક્‍સ રિટર્નમાં દાનની રકમ બાદ લેવા ફરજિયાત ચેકથી આપવાનો નિયમ

મુંબઇ તા. ૧૪ : રોકડમાં થતા વ્‍યવહારો ઓછા કરવા માટે સમયાંતરે ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા નિયમ લાવવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ચેરિટેબલ ટ્રસ્‍ટને દાનની રકમ બે હજાર કરતાં વધુ રોકડમાં આપવામાં આવે તો તેને ઈન્‍કમટેક્‍સમાં ૮૦ જીના નિયમ હેઠળ રિટર્નમાં બાદ મળશે નહીં. આ નિયમને કારણે રોકડમાં દાન આપનારાઓમાં અસમંજસની સ્‍થિતિ ઊભી થઇ છે.

ચેરિટેબલ ટ્રસ્‍ટના નિયમોમાં ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા ધરખમ ફેરફારો કરવામાં આવ્‍યા છે. તે માટેનું કારણ એવું છે કે કેટલાક લોકો દ્વારા ટ્રસ્‍ટના ઓથા હેઠળ બ્‍લેક એન્‍ડ વ્‍હાઈટનો વેપલો ચાલતો હોય છે. આવા અનેક ટ્રસ્‍ટમાં નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાના પુરાવા ઈન્‍કમટેક્‍સ વિભાગને મળતા અનેક ટ્રસ્‍ટના રજિસ્‍ટ્રેશન નંબર રદ કરવા સુધીની કાર્યવાહી કરી હતી. આવા કારણોસર ટ્રસ્‍ટને રોકડમાં મળતા દાન પર નજર રાખવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. તેમાં જે પણ દાન કરનાર વ્‍યક્‍તિને રિટર્નમાં તે રકમ બાદ જોઇતી હોય તો તે રકમનો ચેક જ ફરજિયાત આપવાનો રહેશે. જયારે બે હજાર કરતા વધુની રકમનું દાન કરનાર વ્‍યક્‍તિને રિટર્ન ભરતી વખતે ૮૦ જી હેઠળ તે રકમ બાદ મળશે નહીં.(૨૧.૨૧)

દાનના નામે પણ કરાતા ગોરખધંધા

નાણાકીય વર્ષ પૂરૂં થવાનું હોય ત્‍યારે કેટલાક લોકો દ્વારા ટ્રસ્‍ટના ઓથા હેઠળ બ્‍લેક ટેક્‍સ બચાવવા માટે મસમોટી રકમ દાનમાં લેતા હોય છે. પછી તેમાંથી નક્કી કરેલી ટકાવારી કાપીને બાકીની રકમ રોકડમાં આપી દેવાનો પણ ગોરખધંધો કરતા હોય છે. જેથી આ દિશામાં પણ આગામી દિવસોમાં ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શક્‍યતા રહેલી છે, કારણ કે યુપી અને બિહારમાં ટ્રસ્‍ટના સંચાલકો દ્વારા કરવામાં આવતા આવા વેપલા પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી આ પ્રમાણેની કામગીરી ગુજરાતમાં પણ કરવામાં આવે તેવી શક્‍યતા નકારી શકાય તેમ નથી.

(3:02 PM IST)