<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ભારતના હાથમાં આવ્યું ઈરાનનું મહત્વપૂર્ણ બંદર

ભડક્યું અમેરિકા, પ્રતિબંધોની આપી ધમકીઃકોઈ પણ સંસ્થા જો ઈરાનની સાથે વેપાર કરાર પર વિચાર કરી રહી છે તો તેને આ જોખમ વિશે ખબર હોવી જોઈએ કે પ્રતિબંધ લાગી શકે છે

નવીદિલ્હી તા.૧૪

ભારત અને ઈરાને ચાબહાર બંદરને લઈને સોમવારે દસ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેના થોડા જ કલાકો બાદ અમેરિકાએ ચેતવણી આપી કે કોઈ પણ તહેરાનની સાથે વ્યાપારિક કરાર કરવાનો વિચાર બનાવી રહ્યા છે તો તેને સંભવિત પ્રતિબંધના જોખમ વિશે જાણ હોવી જોઈએ. જોકે, અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે તેઓ ભારત સરકારને પોતાની વિદેશ નીતિના લક્ષ્યો પર બોલવા દેશે.

પટેલે કહ્યું, હુ માત્ર એટલુ કહીશ ઈરાન પર અમેરિકી પ્રતિબંધ લાગુ રહેશે અને અમે તેને ચાલુ રાખીશું. કોઈ પણ સંસ્થા જો ઈરાનની સાથે વેપાર કરાર પર વિચાર કરી રહી છે તો તેને આ જોખમ વિશે ખબર હોવી જોઈએ કે પ્રતિબંધ લાગી શકે છે.

ચાબહાર બંદરના સંચાલન માટે ભારતના ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (આઈપીજીએલ) અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (પીએમઓ) ની વચ્ચે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા. તેનાથી દસ વર્ષોના સમયગાળા માટે ચાબહાર વિકાસ પ્રોજેક્ટમાં શાહિદ-બેહસ્તી બંદરનું સંચાલન થઈ શકશે. દસ વર્ષના સમયગાળામાં બંને પક્ષ ચાબહારમાં પોતાના સહયોગને આગળ વધારશે. આઈપીજીએલ બંદરને સજ્જ કરવા માટે લગભગ ૧૨૦ મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરશે.

ભારતે ચાબહાર બંદરના વિકાસ માટે ૨૫૦ મિલિયન ડોલરની ક્રેડિટ વિન્ડોની પણ ઓફર આપી છે. વર્તમાનમાં ચાબહાર બંદરને આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર ની સાથે એકીકૃત કરવાની યોજના પર કામ ચાલી રહ્યુ છે, જેનાથી ઈરાન દ્વારા રશિયાની સાથે ભારતની કનેક્ટિવિટી સરળ થઈ જશે.

આ દસ વર્ષના લાંબા ગાળાના કરાર બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે. આ સાથે જ વિસ્તારમાં વેપારી સમુદાયોની વચ્ચે વિશ્વાસને વધારશે. ચાબહાર બંદર વિકાસ અને સંચાલનમાં ભારત એક મુખ્ય ખેલાડી છે. આ પ્રોજેક્ટ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઈ દેશોની સાથે વેપાર માટે એક મહત્વપૂર્ણ પરિવહન બંદર તરીકે કામ કરશે. આ લેન્ડલોક દેશ છે. ભારત સરકારે બંદરના પાયાના માળખામાં રોકાણ કર્યુ છે અને તેની સુવિધાઓને અદ્યતન બનાવવા પર કામ કરી રહ્યા છે.

(7:59 PM IST)