<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

નેપાળના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર અને કેપ્ટન રહી ચૂકેલ સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં નિર્દોષ: નેપાળ ક્રિકેટ એસોસિએશને સંદીપનું સસ્પેન્શન રદ કર્યું

૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના કેસમાં કોર્ટે આઠ વર્ષની જેલની સજા ફટકારેલ: દિલ્હી કેપિટલ્સે તેને ૩૨ લાખ રૂપિયામાં ખરીદ્યો ત્યારે સંદીપ આઈપીએલમાં રમનાર નેપાળનો પ્રથમ ખેલાડી બનેલ

બહેનના ઘરે રહીને અભ્યાસ કરતો હતો ત્યારે સંદીપ ઘરથી ક્રિકેટ એકેડમીનું ૧૮ કિલોમીટરનું અંતર  પગપાળા જ કાપતો: સંદીપના પિતા ચંદ્ર નારાયણ ભારતીય રેલ્વેમાં નોકરી કરતા'તા: સંદીપે ચોથા ધોરણ સુધી ભારતમાં અભ્યાસ કર્યો'તો

ખટમંડુ: નેપાળના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર અને કેપ્ટન રહી ચૂકેલ સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર થતા આજે નેપાળ ક્રિકેટ એસોસિએશને સંદીપનું સસ્પેન્શન રદ કર્યું છે.

નેપાળમાં ૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના કેસમાં કોર્ટે આઠ વર્ષની જેલની સજા ફટકારેલ, દરમિયાન નેપાળની પાટન હાઈકોર્ટ દ્વારા આજે બુધવારે સવારે જ બળાત્કારના કેસમાં સંદીપને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. સંદીપને ડિસેમ્બર ૨૦૨૩માં ૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.

જાન્યુઆરી ૨૦૨૪માં સંદીપને આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

સંદીપના વકીલ સબિતા ભદ્રીએ જણાવ્યું કે, સંદીપ દોષિત ન હતો. હાઈકોર્ટે તેને મુક્ત કરવો પડ્યો.

સંદીપ લામિછાને નેપાળ ક્રિકેટનો ચહેરો રહ્યો છે.  ધરપકડ પહેલા તે આઈપીએલમાં પણ રમ્યો હતો.

નવેમ્બર ૨૦૨૨માં સંદીપે બળાત્કારના આરોપોને કારણે કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું.

જાન્યુઆરી ૨૦૨૪માં જ્યારે સંદીપને બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો ત્યારે નેપાળ ક્રિકેટ એસોસિએશને તેને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો.

સંદીપના પિતા ચંદ્ર નારાયણ ભારતીય રેલ્વેમાં નોકરી કરતા હતા. સંદીપે ચોથા ધોરણ સુધી ભારતમાં અભ્યાસ કર્યો અને પછી નેપાળ પાછો ફર્યો.

સંદીપ લામીછાને પૂર્વ નવલપરાસીના રાજહરમાં તેની બહેનના ઘરે રહીને અભ્યાસ કરતો હતો. આ સમય દરમિયાન સંદીપે ચિતવન ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું.  ઘરથી ક્રિકેટ એકેડમીનું ૧૮ કિલોમીટરનું અંતર તે પગપાળા જ કાપતો હતો.

રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રાજુ ખડકા; સંદીપને અંડર-૧૯ રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવા કાઠમંડુ લઈ ગયા.  પરંતુ પ્રથમ વખત સફળતા મળી ન હતી.

પાછળથી, કેનેડામાં જન્મેલા શ્રીલંકાના કોચ પુબુડુ દશનાયકે, તેની પ્રતિભા જોઈને, સંદીપને રાષ્ટ્રીય ટીમની ઘનિષ્ઠ તાલીમ માટે બોલાવ્યો.

બાંગ્લાદેશમાં ૨૦૧૬ની અંડર-૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટમાં, સંદીપે આયર્લેન્ડ સામે હેટ્રિક સહિત પાંચ વિકેટ લીધી અને છ મેચમાં ૧૪ વિકેટ સાથે નેપાળ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.

૨૦૧૬થી આજે સસ્પેન્શન હટાવવામાં આવ્યું ત્યાં સુધીમાં સંદીપે રાષ્ટ્રીય ટીમ માટે ૫૦ ઇનિંગ્સમાં ૧૧૨ વિકેટ ઝડપી છે.

સંદીપે ટી-૨૦માં ૫૨ ઇનિંગ્સમાં ૯૮ વિકેટ પણ લીધી છે.  તેણે વનડેમાં ૩૭૬ રન અને ટી-૨૦માં ૬૪ રન બનાવ્યા હતા.

સંદીપ આઈપીએલ પણ રમ્યો હતો. ૨૦૧૮માં જ્યારે દિલ્હી કેપિટલ્સે તેને ૩૨ લાખ રૂપિયામાં ખરીદ્યો ત્યારે સંદીપ આઈપીએલમાં રમનાર નેપાળનો પ્રથમ ખેલાડી બન્યો હતો.

(10:49 PM IST)