<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

વારાણસીથી ૩૩ ઉમેદવારોના નામાંકન પત્રો અમાન્‍ય

પીએમ મોદી સહિત માત્ર આઠ ઉમેદવારો મેદાનમાં : ૧ જૂને મતદાન

લખનૌ તા. ૧૬ : લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે વારાણસી લોકસભા બેઠક પરથી દાખલ કરાયેલા કુલ ૪૧ નામાંકનોમાંથી માત્ર આઠ જ માન્‍ય જણાયા છે. આ રીતે ૩૩ ઉમેદવારોના ઉમેદવારી પત્રો અમાન્‍ય જાહેર કરાયા હતા.

વારાણસી લોકસભા બેઠક પરથી દાખલ કરાયેલા ૪૧ ઉમેદવારોના નામાંકનની ચકાસણી દરમિયાન તેમાંથી ૩૩ અમાન્‍ય જાહેર કરવામાં આવ્‍યા હતા.

આ માન્‍ય ઉમેદવારી પત્રોમાં ભાજપમાંથી નરેન્‍દ્ર મોદી, કોંગ્રેસમાંથી અજય રાય, બહુજન સમાજ પાર્ટીના અથર જમાલ લારી, અપના દળ (કામરાવાડી) તરફથી ગગન પ્રકાશ, રાષ્ટ્રીય સમાજવાદી જનક્રાંતિ પાર્ટીના પારસનાથ કેસરી, યુગ તુલસી પાર્ટીના કોળી શેટ્ટી શિવકુમાર અને બે અપક્ષનો સમાવેશ થાય છે. જેમાં સંજય કુમાર તિવારી અને દિનેશ કુમાર યાદવના નામ સામેલ છે.

કોમેડિયન શ્‍યામ રંગીલાએ પણ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમનું નોમિનેશન પણ ફગાવી દેવામાં આવ્‍યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એફિડેવિટ જમા ન કરવાને કારણે શ્‍યામ રંગીલાનું નામાંકન નામંજૂર કરવામાં આવ્‍યું છે. આ વખતે વારાણસી લોકસભા સીટ પરથી કુલ ૪૧ ઉમેદવારો હતા.

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના ભાગરૂપે વારાણસી લોકસભા સીટ પર ૧ જૂને મતદાન થશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આ સીટ પર સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

(12:11 PM IST)