News of Thursday, 16th May 2024
હવે ઓવરક્રાઉડીંગ વાહનોને સ્થળ પર જ દંડ
કાર - બસ - ટ્રક - ટુવ્હીલર્સ વગેરેમાં વધારાના પેસેન્જરો બેસાડનારા સાવધાન : ચૂંટણી પછી ગુજરાત સરકાર જાહેરનામુ બહાર પાડશે : ૪ વ્હીલર્સ માટે પેસેન્જર દીઠ રૂ. ૨૦૦ : ૨-૩ વ્હીલર્સ માટે રૂ. ૫૦નો દંડ

અમદાવાદ તા. ૧૬ : જો તમે તમારા વાહનમાં અધિકૃત ક્ષમતા કરતા વધારે પેસેન્જરો બેસાડતા હો તો દંડ ચૂકવવા તૈયાર થઇ જાઓ કેમ કે ગુજરાત સરકાર ટુંક સમયમાં જ કાર, બસ, ટુ વ્હીલર્સ સહિતના વાહનોમાં વધારાના પેસેન્જરો બેસાડવા પર ઓન ધ સ્પોટ દંડનું નોટીફીકેશન બહાર પાડી શકે છે.
રાજ્ય પરિવહન વિભાગ દ્વારા આરટીઓને આવા ગુનામાં ફાઇન અંગેનું કોઇ નોટીફીકેશન નહી હોવાના કારણે ઘણા વાહનો વધારાના પેસેન્જરો સાથે ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
મોટર વ્હીકલ એકટ જણાવે છે કે કોઇ પણ વાહન પછી તે પેસેન્જર વાહન હોય કે ટ્રાન્સપોર્ટ વાહન, વાહનની આરસી બુકમાં લખેલ પેસેન્જરની સંખ્યા કરતા વધારાનો એક પણ પેસેન્જર ના બેસાડી શકે. દાખલા તરીકે એક ફાઇવ સીટર કારનો માલિક જો વધારાનો પેસેન્જર બેસાડે તો તેના પર ઓવરક્રાઉડીંગનો દંડ થઇ શકે. દંડની રકમ અંગે કહેવાયું છે કે કાર અને અન્ય વાહનો માટે પ્રતિ પેસેન્જર વધુમાં વધુ ૨૦૦ રૂપિયા અને ટુ-થ્રી વ્હીલર્સ માટે પ્રતિ પેસેન્જર મહત્તમ ૫૦ રૂપિયા દંડની જોગવાઇ છે. તેમ ટાઇમ્સનો અહેવાલ જણાવે છે.
એક અધિકારીએ કહ્યું કે, ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટના ઓર્ડર છતાં, દંડની રકમ અંગે ગુજરાતમાં કોઇ નોટીફીકેશન જ નથી. હવે ચૂંટણી પત્યા પછી તે આવી શકે છે. અન્ય એક આરટીઓ અધિકારીએ ધ્યાન દોર્યું કે રાજકીય ઇચ્છા શકિતનો અભાવ અને લાગુ કરવાથી વિરોધ થશે એવી સામાન્ય માન્યતાના કારણે નોટીફીકેશન નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કે પેસેન્જર વાહનો મોટા ભાગે ઓવર ક્રાઉડેડ જ હોય છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
